

વાંકાનેર, તા. ૧૮ જૂન: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસે એક જ દિવસે બે અલગ-અલગ સફળ કામગીરી કરીને ગાંજા અને વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડી કાયદાનો કડક અમલ કરાવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક મોરબી અને નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થો અને પ્રોહિબિશનના ગુનાઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વીડી જાંબુડિયા ગામ રોડ પરથી દેવરાજભાઈ મનજીભાઈ ચૌહાણ (રહે. ચરાડવા, તા. હળવદ, જિ. મોરબી)ને હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-36 AN-1746 સાથે અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી વેચાણના ઇરાદે રાખવામાં આવેલ અંદાજે ૧ કિલો ૯૫૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. ૯૭,૫૦૦ કિંમતનો ગાંજો તેમજ રૂ. ૨૫,૦૦૦ કિંમતની મોટરસાયકલ સહિત કુલ રૂ. ૧,૨૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી) અને ૨૦(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, નીરણા–સુકા ઘાસ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં આરોપી રાજુભાઈ પરસોત્તમભાઈ વાંધેલ સહિત અન્ય સહઆરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો, એક છકડો રિક્ષા અને મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ. ૨,૯૩,૩૧૮નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ અન્ય કોણ સંડોવાયેલા છે તે અંગે પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે.આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા, એએસઆઈ ગોપાલભાઈ કાલરીયા, પો.હે.કો. ઉત્તમસિંહ જાડેજા, પોલીસ કર્મચારી અક્ષયરાજસિંહ પરમાર, ભરતભાઈ બોરીયા અને દીપક ભીમાણી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.વાંકાનેર તાલુકા પોલીસની આ સતર્ક અને ઝડપી કામગીરીથી ગેરકાયદેસર નશીલા પદાર્થો તથા દારૂના વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ યુવા પેઢીને નશાના દૂષણથી બચાવવા પોલીસનું સતત સઘન પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીના આધારે અભિયાન વધુ અસરકારક બની રહ્યું છે.