પોલીસ ડાયરી મોરબી

ટંકારામાં વેપારીની દુકાનમાંથી તમાકુની ચોરીનો ભેદ ઉકેલાયો: સ્વિફ્ટ કાર અને મુદ્દામાલ સાથે રાજકોટના બે શખ્સો ઝડપાયા, એક ફરાર

ટંકારામાં વેપારીની દુકાનમાંથી તમાકુની ચોરીનો ભેદ ઉકેલાયો: સ્વિફ્ટ કાર અને મુદ્દામાલ સાથે રાજકોટના બે શખ્સો ઝડપાયા, એક ફરાર

ટંકારા:

મોરબી જિલ્લાના ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલી એક એજન્સીના તાળા તોડી ચોરી કરનાર શખ્સોને ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કાર અને ચોરીના માલ સહિત કુલ ₹૩,૬૩,૯૨૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે.  

શું હતી સમગ્ર ઘટના?

ગત તારીખ ૧૭/૦૫/૨૦૨૬ની વહેલી સવારે ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલી “શ્રી રામ સેલ્સ એજન્સી” નામની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી. અજ્ઞાત ચોર ઇસમો દુકાનના તાળા તોડી અંદર રાખેલા બાગબાન તમાકુના ડબલા ભરેલા કાર્ટુનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  

CCTV અને નેત્રમ કેમેરાની મદદથી મળ્યો સગડ

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની સૂચના તેમજ વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા અને સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ, સ્થાનિક સીસીટીવી ફૂટેજ તેમજ મોરબી શહેરના નેત્રમ પ્રોજેક્ટના કેમેરા ચેક કર્યા હતા. જેમાં ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કાર (નંબર-GJ-06-KP-3229) શંકાસ્પદ જણાતા પોલીસે તેની પાછળ વોચ ગોઠવી હતી.  

છતર ચેક પોસ્ટ પાસેથી દબોચી લેવાયા

ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસે છતર પોલીસ ચેક પોસ્ટ પાસેથી વોચ ગોઠવીને આ સ્વિફ્ટ કારને આંતરી લીધી હતી. કારની તલાશી લેતા તેમાંથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેથી કારમાં સવાર બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.  

પકડાયેલા આરોપીઓના નામ:

૧. રવિભાઇ ભીખાભાઇ ચાઉ (ઉં.વ. ૨૩, રહે. હુડકો ચોકડી, રણુજા મંદિર પાસે, રાજકોટ)

૨. રૂપેશભાઇ ચંદ્રકાંતભાઇ સંચાણીયા (ઉં.વ. ૨૯, રહે. કોઠારીયા મેઇન રોડ, ગણેશનગર શેરી, રાજકોટ)  

આ આરોપીની શોધખોળ ચાલુ:

૧. સુરેશભાઇ અશોકભાઇ ગવડીયા (રહે. કોઠારીયા મેઇન રોડ, સોમનાથ પાર્ક, રાજકોટ)  

કુલ ₹૩.૬૩ લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે આરોપીઓ પાસેથી ₹૫૩,૯૨૦ની કિંમતના બાગબાન તમાકુના ૧૬ ડબ્બા, ચોરીમાં વપરાયેલી ₹૩,૦૦,૦૦૦ની સ્વિફ્ટ કાર અને ₹૧૦,૦૦૦ની કિંમતના ૨ નંગ મોબાઈલ ફોન મળી કુલ ₹૩,૬૩,૯૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટંકારા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર અન્ય એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.  

આ સફળ કામગીરી ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા તથા તેમની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder