


મોરબી: મોરબીના ખોખરડા હનુમાન રોડ પર આવેલા પોલો સર્કલ નજીક પાણીના ટેન્કર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર ભાનુભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, સમયસર પહોંચી ગયેલી ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે ફરજ પ્રત્યેની નિષ્ઠા, સમયસૂચકતા અને માનવતાભરી કામગીરી દ્વારા માત્ર યુવાનનો જીવ જ બચાવ્યો નહીં, પરંતુ પ્રામાણિકતાનું અનોખું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.મળતી માહિતી મુજબ, ભાનુભાઈ ઉઘરાણીની અંદાજિત અઢીથી ત્રણ લાખ રૂપિયાની રોકડ રકમ સાથે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પોલો સર્કલ નજીક પાણીના ટેન્કર સાથે તેમનો બાઈક અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ઘટનાની જાણ થતાં જ મહેન્દ્રનગર લોકેશનની ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમ મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈએમટી પ્રવિણ મેર અને પાઇલટ હનીફભાઈ દલવાણીએ ડૉ. પરમાર (ERCP)ના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી હતી.
ટીમે ઓક્સિજન સપોર્ટ સહિત જરૂરી તાત્કાલિક સારવાર પૂરી પાડી દર્દીની સ્થિતિ સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભાનુભાઈને તેમના પરિવારજનોની સૂચના મુજબ વધુ સારવાર માટે સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનામાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે અકસ્માત સમયે ભાનુભાઈ પાસે રહેલી અંદાજિત અઢીથી ત્રણ લાખ રૂપિયાની રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન ૧૦૮ ટીમે સંપૂર્ણ સુરક્ષિત રાખ્યો હતો. બાદમાં હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં આ તમામ રકમ અને સામાન તેમના સગા મુલદાનભાઈ ચારણને સહીસલામત પરત સોંપવામાં આવ્યો હતો. આજના કારમી મોંઘવારીના સમયમાં જ્યાં ઘણીવાર માનવ મૂલ્યો કરતાં સ્વાર્થને પ્રાધાન્ય મળતું હોય છે, ત્યાં ૧૦૮ની ટીમે પ્રામાણિકતા અને જવાબદારીનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઇમરજન્સી સેવાઓ માત્ર દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ નથી કરતી, પરંતુ સંકટની ઘડીએ માનવતા, વિશ્વાસ અને નૈતિક મૂલ્યોનું જતન પણ કરે છે.
ઈએમટી પ્રવિણ મેર અને પાઇલટ હનીફભાઈ દલવાણીની કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ૧૦૮ સેવા અનેક લોકો માટે ખરેખર “દેવદૂત” સમાન છે. તેમની સમયસરની સારવાર, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિક વર્તનને લઈને સ્થાનિક લોકો તેમજ ભાનુભાઈના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.આ ઘટના સમાજને એ સંદેશ આપે છે કે ફરજ પ્રત્યેની વફાદારી અને માનવતા આજે પણ જીવંત છે. સંકટના સમયમાં નિષ્ઠાપૂર્વક કરાયેલી સેવા અને પ્રામાણિકતા જ સમાજમાં વિશ્વાસને મજબૂત બનાવે છે.
