મોરબી: મહેન્દ્રનગર ભાજપના એક વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલી ચેટને લઈને મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ચેટમાં ભાજપ વિરોધી મતદારોને પાણી જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવાની વાત સામે આવતા કોંગ્રેસના આગેવાન મુકેશભાઈ ગામી (ઉપપ્રમુખ, મોરબી જિલ્લા કોંગ્રેસ) એ વીડિયો સંદેશ દ્વારા ભાજપને આડે હાથ લીધી છે.
શું છે વિવાદ?
મહેન્દ્રનગર ભાજપના વોર્ડ નંબર-૩ ના એક ગ્રુપમાં ભાજપના કાર્યકરો દ્વારા એવી ચર્ચા કરવામાં આવી હતી કે, જે લોકોએ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું છે તેમને પાણી કે અન્ય કોઈ સુવિધા આપવી જોઈએ નહીં. આ મેસેજની જાણ થતા જ કોંગ્રેસના નેતાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે.
મુકેશભાઈ ગામીની ભાજપને ચેતવણી
વીડિયોમાં મુકેશભાઈ ગામીએ ભાજપની માનસિકતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે:
• લોકશાહીનું અપમાન: લોકશાહીમાં ચૂંટણી લડવી એ એક પ્રક્રિયા છે, પરંતુ જીત્યા પછી દરેક નાગરિક અને મતદાર સમાન હોય છે. ચૂંટાયેલા પ્રતિનિધિની ફરજ છે કે તે તમામ લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડે.
• આકરો પડકાર: તેમણે ચેતવણી આપતા કહ્યું કે, “જો હિંમત હોય તો કોંગ્રેસના કોઈપણ મતદારનું પાણી બંધ કરી જુઓ, અમે ચૂંટણી હાર્યા છીએ પણ જિંદગી નથી હાર્યા. જો પાણી બંધ કરશો તો તમારા નળ ન કાપું તો હું પટેલનો દીકરો નહીં.”
• ભાજપની માનસિકતા: તેમણે આણંદના સાંસદ અને ભાજપના અન્ય હોદ્દેદારોના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભાજપ અત્યારે સત્તાના નશામાં છકી ગઈ છે અને લોકોને હેરાન કરવાના પેતરા કરી રહી છે.
કોંગ્રેસ કાર્યકરો અને મતદારોને આપી હૈયાધારણ
મુકેશભાઈએ કોંગ્રેસના કાર્યકરો અને મતદારોને આશ્વાસન આપતા કહ્યું કે કોઈએ પણ ડરવાની જરૂર નથી. કોંગ્રેસ રાત-દિવસ જનતાની પડખે ઉભી છે અને કોઈપણ મુશ્કેલીમાં ૨૪ કલાક એક હાકલ પર હાજર રહેશે.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે.
