મોરબી: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મહત્વની સફળતા મેળવતા, હથિયારના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા રીયાજખાન ઉર્ફે મુન્નો મેહબુબખાન ફતેહાનને ઝડપી પાડ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
પકડાયેલ આરોપી રીયાજખાન સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો (બી-પાર્ટ ગુ.ર.નં. ૦૦૬૨/૨૦૨૩) નોંધાયો હતો. આ ગુનામાં તે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.
SOGની કાર્યવાહી
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધીક્ષકની સૂચના મુજબ, SOG પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી. એસ.ઓ.જી. સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો.
આરોપીની વિગત:
• નામ: રીયાજખાન ઉર્ફે મુન્નો મેહબુબખાન ફતેહાન
• હાલનું સરનામું: ગરીબ નવાજ ફાર્મ, ભલગામ, વાકાનેર બાઉન્ડ્રી પાસે, જી. મોરબી.
• મૂળ સરનામું: ખાટકીવાડ, મોચી સાળ શેરી, સુભાષ માર્કેટ, જામનગર.
હાલમાં મોરબી SOG દ્વારા આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
