મોરબી : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર ડૉ. સંજય જોશી (IAS)એ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા (મીં) નગરપાલિકાઓની ચૂંટણી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ઓબ્ઝર્વરશ્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે લોકશાહીના આ પર્વમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ પારદર્શકતા સાથે યોજાય. ખાસ કરીને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે માટે તાકીદ કરવામાં આવી હતી. સંવેદનશીલ મતદાન મથકો, કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ ઓબ્ઝર્વરશ્રીનું સ્વાગત કરી જિલ્લામાં અત્યાર સુધી થયેલી ચૂંટણી તૈયારીઓની માહિતી આપી હતી. સાથે સાથે આગામી આયોજન અંગેની રૂપરેખા પણ રજૂ કરી હતી. નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ મતદાન કેન્દ્રો, ઈવીએમ ફાળવણી, સ્ટ્રોંગ રૂમ વ્યવસ્થા તથા તાલીમ પ્રક્રિયા અંગે વિગતવાર રજૂઆત કરી હતી.
આ બેઠકથી સ્પષ્ટ થાય છે કે મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાને લઈને તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને પારદર્શક ચૂંટણી માટે સજ્જ બની ગયું છે.


