મોરબી:
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. તેવામાં મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)ની ટીમે એક મોટી સફળતા મેળવીને મોરબી-માળીયા હાઇવે પરથી રિક્ષામાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ રેડ દરમિયાન ₹5.88 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
રવિરાજ ચોકડી નજીક વોચ ગોઠવી એલસીબીએ પાડી રેડ
મળતી વિગતો મુજબ, મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી-માળીયા હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે પોલીસે હાઇવે પર આવેલી રવિરાજ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક સીએનજી રિક્ષાને અટકાવીને તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રિક્ષાની અંદર ગુપ્ત રીતે છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
એક આરોપી ઝડપાયો, દારૂ-બિયર અને રિક્ષા સહિત ₹5.88 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ઘટનાસ્થળેથી રિક્ષાચાલક સમીરશા ઉર્ફે ટોની યાકુબશા શાહમદારને દબોચી લીધો હતો. રિક્ષાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો, બિયરનો જથ્થો, ગુનામાં વપરાયેલી રિક્ષા અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા, જે તમામ મળીને કુલ ₹5,88,000 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
વધુ બે શખ્સો વોન્ટેડ: પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ
પ્રાથમિક પૂછપરછમાં આ દારૂના નેટવર્કમાં અન્ય બે શખ્સોની સંડોવણી પણ સામે આવી છે, જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર મામલે પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
