મોરબી

વાંકાનેર ભાજપમાં મોટું ગાબડું, દિગ્ગજ નેતા ગોરધનભાઈ સરવૈયા કેસરીયો છોડી કોંગ્રેસમાં જોડાયા

વાંકાનેર ભાજપમાં મોટું ગાબડું, દિગ્ગજ નેતા ગોરધનભાઈ સરવૈયા કેસરીયો છોડી કોંગ્રેસમાં જોડાયા

વાંકાનેર: સ્થાનિક રાજકારણમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી છે. મોરબી જિલ્લા ભાજપના કદાવર નેતા અને કોળી સમાજના અગ્રણી ગોરધનભાઈ સરવૈયાએ ભાજપ સાથે છેડો ફાડીને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. તેમના આ નિર્ણયથી વાંકાનેર અને મોરબી જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પડ્યું હોવાનું માનવામાં આવે છે.

જાવેદ પીરઝાદાના હસ્તે કર્યો પક્ષ પ્રવેશ

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદાએ ગોરધનભાઈ સરવૈયાને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ગોરધનભાઈની સાથે તેમના સમર્થકો, મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.

રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય

ગોરધનભાઈ સરવૈયા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વાંકાનેર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમના પત્ની ભાવનાબેન સરવૈયા હાલ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ સંઘમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. આવા મજબૂત રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા નેતાના કોંગ્રેસ પ્રવેશથી ખાસ કરીને વાંકાનેર પંથકમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બન્યો છે.

કોળી સમાજનું પ્રભુત્વ

કોળી સમાજના અગ્રણી હોવાને નાતે ગોરધનભાઈનો સમાજ પર સારો પ્રભાવ છે. ચૂંટણી પહેલા થયેલા આ પક્ષ પલટાથી આગામી સમયમાં સ્થાનિક રાજકારણના સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder