
ભાવનગર: પ્રતિબંધિત ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર વેપારને રોકવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં દારૂનું દૂષણ અટકવાનું નામ લેતું નથી. ભાવનગર જિલ્લામાં ફરી એકવાર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાતા ચર્ચા જાગી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.તેના અનુસંધાને તા. ૧૭ મે, ૨૦૨૬ના રોજ એલસીબી પોલીસ સ્ટાફ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ઘોઘા તાલુકાના ભાંખલ ગામનો કુલદિપસિંહ પ્રતાપસિંહ ગોહિલ પોતાની વાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંગ્રહ કરી વેચાણ કરતો હતો. બાતમીના આધારે પોલીસે ભાંખલથી સોસિયા જતી કેનાલ પાસે આવેલી વાડીમાં દરોડો પાડતાં “ફોર સેલ ઇન યુ.ટી. દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓન્લી” લખેલી કંપની સીલપેક રોયલ્સ સ્પેશિયલ પ્રીમિયમ વ્હિસ્કી (૧૮૦ એમએલ)ની ૨૮૮ બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ. ૪૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે આરોપી કુલદિપસિંહ પ્રતાપસિંહ ગોહિલ (રહે. ભાંખલ, તા. ઘોઘા, જી. ભાવનગર) વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા તથા એલસીબી સ્ટાફના અન્ય કર્મચારીઓએ પાર પાડી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં દારૂ સંબંધિત ગુનાઓ નોંધાતા રહેતા હોવાને કારણે દારૂના ગેરકાયદેસર નેટવર્ક પર અસરકારક નિયંત્રણ અંગે ફરી સવાલો ઊભા થયા છે.
