નવી દિલ્હી

નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસકીય નેતૃત્વના ૨૫ વર્ષ પૂર્ણ: દિલ્હીના વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી, દેશભરમાં સેવાકીય કાર્યક્રમો

નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસકીય નેતૃત્વના ૨૫ વર્ષ પૂર્ણ: દિલ્હીના વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી, દેશભરમાં સેવાકીય કાર્યક્રમો

Narendra Modi 25 Years in Governance

નવી દિલ્હી :

આજથી બરાબર ૨૫ વર્ષ પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તાનું સુકાન સંભાળનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસકીય નેતૃત્વની સફર આજે એક ઐતિહાસિક પડાવ પર પહોંચી છે. ૭ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લેનાર નરેન્દ્ર મોદી આજે દેશના વડાપ્રધાન પદે સતત ત્રીજી ટર્મ સંભાળી રહ્યા છે. આ વિશેષ અવસરે વડાપ્રધાને આજે વહેલી સવારે નવી દિલ્હી સ્થિત ઐતિહાસિક સિદ્ધિ વિનાયક મંદિરમાં પહોંચીને વિધિવત ગણેશ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મંદિર ૧૯૫૦માં સ્થપાયેલું છે અને દક્ષિણ ભારતીય સમુદાયની આસ્થા સાથે લાંબા સમયથી જોડાયેલું છે.

સંકટો વચ્ચે ગુજરાતની કમાન સંભાળી હતી

વર્ષ ૨૦૦૧માં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારે રાજ્ય કચ્છના ભીષણ ભૂકંપ, ભયાનક દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવા અનેક ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું હતું. આ કપરા કાળમાં તેમણે વહીવટી તંત્રમાં પ્રાણ ફૂંકીને ગુજરાતને પુનઃનિર્માણ અને આર્થિક વિકાસના પંથે અગ્રેસર કર્યું હતું. ત્યાર બાદ ૨૦૧૩માં તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને ૨૦૧૪માં તેમણે દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

દેશભરમાં ભાજપ દ્વારા ‘સેવા જ્યોતિ’ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાનના સતત ૨૫ વર્ષના પ્રજાલક્ષી નેતૃત્વની ઉજવણી માટે ભાજપ અને સરકાર દ્વારા દેશભરમાં લોકસેવા અને જનભાગીદારી સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિશેષ ‘સેવા જ્યોતિ’ કાર્યક્રમ યોજાયો છે, જેના અંતર્ગત મોટી સંખ્યામાં નાગરિકો અને પદાધિકારીઓ જોડાયા છે.

કેન્દ્રીય કેબિનેટે પસાર કર્યો ઐતિહાસિક અભિનંદન પ્રસ્તાવ

આ પૂર્વે ૬ ઑક્ટોબરના રોજ મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત ૨૫ વર્ષના શાસકીય નેતૃત્વ, સુશાસન અને વિકાસલક્ષી સુધારાઓની પ્રશંસા કરતો વિશેષ અભિનંદન પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળથી લઈને કેન્દ્રમાં ગરીબ કલ્યાણ, માળખાકીય વિકાસ, વિદેશ નીતિ અને આર્થિક ક્ષેત્રે થયેલા પરિવર્તનકારી નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder