નવી દિલ્હી:
સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) ની સીધી અને ગંભીર અસર હવે માનવ સ્વાસ્થ્ય પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સહિત ભારતીય વિજ્ઞાનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા એક તાજા અને વિસ્તૃત સંશોધનમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ મુજબ, સતત બદલાતા વાતાવરણ અને વધતા તાપમાનના કારણે વર્ષ ૨૦૨૧ થી ૨૦૪૦ વચ્ચે ડેન્ગ્યુના કેસોના દરમાં ૧૬ થી ૨૦ ટકા સુધીનો ચિંતાજનક વધારો નોંધાઈ શકે છે. લાંબા ગાળે આ સ્થિતિ વધુ વિકરાળ બને તેવી શક્યતા છે.
સદીના અંત સુધીમાં કેસોમાં ૧૧૩% સુધીના ઉછાળાનો અંદાજ
વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ક્લાઇમેટ મોડેલ્સ અનુસાર, જો કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગ પર કાબૂ નહીં મેળવાય તો વર્ષ ૨૦૮૧ થી ૨૧૦૦ વચ્ચે ડેન્ગ્યુના સંક્રમણમાં ૪૬ ટકાથી લઈને સીધો ૧૧૩ ટકા સુધીનો જંગી વધારો થઈ શકે છે. સંશોધકોએ સ્પષ્ટતા કરી છે કે આ આંકડા કોઈ ચોક્કસ ભવિષ્યવાણી નથી, પરંતુ વાતાવરણમાં થઈ રહેલા સતત ફેરફારો અને ગાણિતિક ક્લાઇમેટ મોડેલિંગના આધારે કાઢવામાં આવેલો વૈજ્ઞાનિક અંદાજ છે, જે ભવિષ્યના આરોગ્ય સંકટ તરફ સીધો ઈશારો કરે છે.

વરસાદ નહીં, ગરમી અને ભેજનું ખાસ મિશ્રણ મચ્છરો માટે અનુકૂળ
સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે માત્ર વરસાદી પાણી ભરાવાને કારણે જ ડેન્ગ્યુ ફેલાય છે. પરંતુ આ સંશોધનમાં અત્યંત મહત્વપૂર્ણ તારણ સામે આવ્યું છે કે ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છરો માટે ચોમાસા પહેલાંનું ચોક્કસ વાતાવરણ સૌથી વધુ અનુકૂળ સાબિત થાય છે. જ્યારે તાપમાન ૩૦.૫ થી ૩૨.૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય અને હવામાં ભેજનું પ્રમાણ ૬૬ થી ૭૯ ટકા વચ્ચે રહે છે, ત્યારે ડેન્ગ્યુના વાયરસ અને મચ્છરોના પ્રજનન ક્ષમતામાં ભારે ઉછાળો આવે છે. વરસાદ કરતાં પણ આ ચોક્કસ તાપમાન અને ભેજનું મિશ્રણ સંક્રમણ વધારવા માટે સૌથી વધુ જવાબદાર છે.
કેરળના ૧૪ વર્ષના ડેટા પરથી સમગ્ર દેશ માટે એલર્ટ
આ વૈજ્ઞાનિક અભ્યાસ કેરળ રાજ્યના છેલ્લા ૧૪ વર્ષના હવામાન અને ડેન્ગ્યુના દર્દીઓના આંકડાકીય વિશ્લેષણ પર આધારિત છે. જોકે આ સંશોધન ભૌગોલિક રીતે કેરળ પર કેન્દ્રિત હોવાથી તેને સમગ્ર ભારત પર સીધું લાગુ કરી શકાતું નથી, પરંતુ ગુજરાત સહિત દેશના દરિયાકાંઠાના અને ભેજવાળા વાતાવરણ ધરાવતા તમામ રાજ્યો માટે તે એક મોટો ખતરાનો ઘંટ સમાન છે.
બીમારી આવ્યા પછી નહીં, પૂર્વતૈયારીઓ અનિવાર્ય
સંશોધક વૈજ્ઞાનિકોનું માનવું છે કે બદલાતી આબોહવામાં હવે માત્ર રોગચાળો ફેલાયા પછી જંતુનાશક દવાઓ છાંટવી કે હોસ્પિટલોમાં બેડ વધારવા પૂરતા સાબિત નહીં થાય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને આરોગ્ય તંત્રએ હવામાનની પેટર્ન મુજબ અગાઉથી જ પ્રિવેન્ટિવ હેલ્થ પ્લાનિંગ, વેક્ટર કંટ્રોલ અને પબ્લિક અવેરનેસ ઝુંબેશ ચલાવવી પડશે.