સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં માનવતા લજવાઈ: ‘શુદ્ધિકરણ’ના બહાને પતિએ પત્નીને ગોંધી રાખી કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, વીડિયો વાયરલ થતાં ૨ મહિલા સહિત ૯ ઝડપાયા

સુરેન્દ્રનગરમાં માનવતા લજવાઈ: ‘શુદ્ધિકરણ’ના બહાને પતિએ પત્નીને ગોંધી રાખી કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, વીડિયો વાયરલ થતાં ૨ મહિલા સહિત ૯ ઝડપાયા

Surendranagar Gangrape Case

સુરેન્દ્રનગર :

સુરેન્દ્રનગર જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાને પડકાર ફેંકતી અત્યંત ગંભીર અને કંપાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક પરિણીતા પર ગુજારવામાં આવી રહેલા અમાનુષી અત્યાચારનો વીડિયો વાયરલ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ગેંગરેપ અને અત્યાચારના આ જઘન્ય અપરાધમાં સંડોવાયેલા બે મહિલાઓ સહિત કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

‘શુદ્ધિકરણ’ના બહાને રૂમમાં ગોંધી રાખી બર્બરતા આચરી

પોલીસ તપાસમાં સામે આવેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, ભોગ બનનાર મહિલાના પતિ અને સંબંધીઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. પીડિત મહિલાને ‘ચોખ્ખી કરવાની વિધિ’ (શુદ્ધિકરણ) કરવાના બહાને એક રૂમમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને ગોંધી રાખીને લાચારીનો ગેરલાભ ઉઠાવી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અત્યંત હચમચાવી દે તેવી બાબત એ છે કે મહિલા અગાઉ જે શખ્સ સાથે જતી રહી હતી, તેની પાસે જ પતિ સહિતના સાસરિયાઓએ બળજબરીપૂર્વક આ કૃત્ય કરાવ્યું હતું. આટલેથી ન અટકતાં, મહિલાને ઝાડ સાથે બાંધીને આ સમગ્ર અમાનવીય કૃત્યનો વીડિયો પણ મોબાઈલમાં ઉતારવામાં આવ્યો હતો.

વીડિયો વાયરલ થતાં જ એએસપી વેદિકા બિહાનીની ટીમ એક્શનમાં

સોશિયલ મીડિયા પર આ અત્યાચારનો વીડિયો ફરતો થતાં જ સુરેન્દ્રનગર એએસપી (ASP) વેદિકા બિહાનીએ તાત્કાલિક મામલાની ગંભીરતા પારખીને એ-ડિવિઝન પોલીસની ટીમને ગુનેગારોને ઝડપી લેવા કડક સૂચના આપી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તાબડતોબ દરોડા પાડીને ગુનામાં સામેલ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ધરપકડ કરાયેલા ૯ આરોપીઓ:

પોલીસે આ જઘન્ય કાંડમાં નીચે મુજબના ૯ આરોપીઓની ધરપકડ કરી છે: ૧. પોપટભાઈ લાખાભાઈ સરવૈયા

૨. રમેશભાઈ મનુભાઈ સરવૈયા

૩. જયંતીભાઈ પેથાભાઈ સરવૈયા

૪. ભરતભાઈ ખાટાભાઈ સરવૈયા

૫. જીતુભાઈ ધીરૂભાઈ સરવૈયા

૬. પપ્પુભાઈ બકાભાઈ પરમાર

૭. કલાભાઈ કેશુભાઈ સરવૈયા

૮. ગીતાબેન જયંતીભાઈ સરવૈયા

૯. લીલાબેન ખાટાભાઈ સરવૈયા

સુરેન્દ્રનગર પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને રિમાન્ડ મેળવવા સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder