રાજકોટ

રાજકોટ હિરાસર એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયા તેજ: ડિસેમ્બર સુધીમાં પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરે તેવી શક્યતા

રાજકોટ હિરાસર એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયા તેજ: ડિસેમ્બર સુધીમાં પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરે તેવી શક્યતા

Rajkot International Airport,

રાજકોટ :

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ નજીક હિરાસર ખાતે કાર્યરત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી રહી છે. વિદેશની ફ્લાઇટ્સ શરૂ થાય તે પહેલાં અનિવાર્ય ગણાતી ઇમિગ્રેશન સંબંધિત કામગીરી માટે રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ અને જવાનોને વિશેષ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ગૃહ મંત્રાલય તરફથી આખરી ઇમિગ્રેશન એપ્રુવલ મળતાં જ આગામી ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં રાજકોટથી સીધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવાની પ્રબળ સંભાવના છે.

૧૧ પોલીસકર્મીઓ અને અધિકારીઓએ અમદાવાદમાં તાલીમ પૂર્ણ કરી

ઇમિગ્રેશન કાઉન્ટર્સ અને પાસપોર્ટ-વિઝા ચકાસણીની સંવેદનશીલ કામગીરી માટે રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનના એક પીઆઇ, એક પીએસઆઇ સહિત ૧૧ પોલીસ કર્મચારીઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે યોજાયેલી એક સપ્તાહની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા જ્યારે પણ આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ અપાશે ત્યારે આ પ્રશિક્ષિત સ્ટાફને તાત્કાલિક ઇમિગ્રેશન ડેસ્ક પર તહેનાત કરી દેવામાં આવશે.

સૌરાષ્ટ્રના પ્રવાસીઓને અમદાવાદના ધક્કામાંથી મળશે મુક્તિ

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હિરાસર એરપોર્ટ છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક (ડોમેસ્ટિક) ફ્લાઇટ્સ માટે કાર્યરત છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સુવિધા અને ઇમિગ્રેશન મંજૂરીના અભાવે રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરો, એનઆરઆઈ (NRI) અને ઉદ્યોગપતિઓને વિદેશ જવા-આવવા માટે ફરજિયાત અમદાવાદ કે મુંબઈ એરપોર્ટ સુધી લાંબી મુસાફરી કરવી પડે છે. ડિસેમ્બર સુધીમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થતાં પ્રવાસીઓનો કિંમતી સમય અને નાણાં બંનેની બચત થશે. જોકે, પ્રારંભિક તબક્કે કયા કયા દેશો માટે કેટલી ફ્લાઇટ્સ શરૂ થશે તે અંગે સત્તાવાર શિડ્યુલ હવે પછી જાહેર કરવામાં આવશે.

નવા એરપોર્ટ ડિરેક્ટર તરીકે ધનંજયકુમાર સિંઘ ચાર્જ સંભાળશે

દરમિયાન, રાજકોટ એરપોર્ટના વર્તમાન ડિરેક્ટર દિગંત બોરાહને પ્રમોશન મળતાં તેમની બદલી દિલ્હી મુખ્ય મથક ખાતે કરવામાં આવી છે. તેમના સ્થાને જામનગર એરપોર્ટના ડિરેક્ટર ધનંજયકુમાર સિંઘની નિયુક્તિ કરવામાં આવી છે. નવા ડિરેક્ટર આગામી દિવસોમાં વિધિવત ચાર્જ સંભાળશે. સ્થાનિક સ્તરે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નવનિયુક્ત ડિરેક્ટરના આગમન સાથે જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અને પેસેન્જર સુવિધાઓને લગતી પેન્ડિંગ પ્રક્રિયાઓ વધુ ગતિ પકડશે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder