નવી દિલ્હી

રાજકોટથી હૈદરાબાદ સુધી મતદારયાદી SIR પ્રક્રિયા પર સુપ્રીમના બે જજોના સવાલ: ‘મત આપવાનો અધિકાર ખતરામાં’

રાજકોટથી હૈદરાબાદ સુધી મતદારયાદી SIR પ્રક્રિયા પર સુપ્રીમના બે જજોના સવાલ: ‘મત આપવાનો અધિકાર ખતરામાં’

Supreme Court of India,

નવી દિલ્હી :

સમગ્ર દેશમાં મતદાર યાદી સુધારણા માટે ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા સામે ઉઠેલા વિવાદોમાં હવે દેશના સર્વોચ્ચ ન્યાયતંત્રના વર્તમાન અને પૂર્વ ન્યાયમૂર્તિઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કરોડો મતદારોને શંકાસ્પદની શ્રેણીમાં મૂકી મતાધિકારથી વંચિત રાખવાના આક્ષેપો વચ્ચે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ જસ્ટિસ ઉજ્જલ ભુયાન અને પૂર્વ જસ્ટિસ રોહિન્ટન ફલી નરીમાને રાજકોટ અને હૈદરાબાદના વિવિધ કાર્યક્રમોમાં વક્તવ્ય આપતાં ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર આકરા સવાલો ઉઠાવ્યા છે.

હૈદરાબાદ: જસ્ટિસ ઉજ્જલ ભુયાન દ્વારા મનસ્વી રીતે નામ કાપવા સામે ટકોર

હૈદરાબાદ સ્થિત નાલસર યુનિવર્સિટી ઓફ લો ખાતે આયોજિત ૧૯મી જસ્ટિસ બોધરાજ મેમોરિયલ મૂટ કોર્ટ કોમ્પિટિશનમાં સંબોધન કરતાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જસ્ટિસ ઉજ્જલ ભુયાને SIR પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો કોઈ નાગરિકનું નામ એકવાર કાયદેસર રીતે મતદાર યાદીમાં સામેલ થઈ ચૂક્યું હોય, તો જ્યાં સુધી તેનું મૃત્યુ ન થાય ત્યાં સુધી તેનું નામ યાદીમાંથી સરળતાથી દૂર કરી શકાતું નથી. કોઈ યોગ્ય કારણ, નોટિસ કે કાયદેસરની સુનાવણી આપ્યા વિના નાગરિકોના નામ રદ કરવા એ અત્યંત ગંભીર બાબત છે. તેમણે ઉમેર્યું કે બંધારણીય રીતે મતદાર યાદીમાં સામેલ થવાના અધિકારથી કોઈ પણ ભારતીય નાગરિકની ઓળખને અલગ પાડી શકાય નહીં.

રાજકોટ: પૂર્વ ન્યાયમૂર્તિ નરીમાને કહ્યું- ‘મત આપવાનો અધિકાર ખતરામાં’

બીજી તરફ, રાજકોટની પ્રતિષ્ઠિત રાજકુમાર કોલેજ ખાતે આયોજિત પરિસંવાદમાં બોલતાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ રોહિન્ટન ફલી નરીમાને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં નાગરિકોનો મત આપવાનો મૂળભૂત અધિકાર અત્યંત જોખમમાં મુકાઈ ગયો છે. તેમણે ચૂંટણી પંચની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, દેશમાં એવું ચૂંટણી પંચ ન હોઈ શકે જે પક્ષપાતી રીતે કે યોગ્ય પ્રક્રિયા વિના નિર્ણયો લેતું હોય. SIR દરમિયાન મતદારોના નામ કમી કરવાના મામલે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને સાથી કમિશનરો વચ્ચેના મતભેદોને અવગણીને એકતરફી નિર્ણયો લેવાયા હોવાના અહેવાલો લોકશાહી માટે યોગ્ય નથી.

તેમણે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં લાખો મતદારોના નામ કમી થવા છતાં અદાલતી સ્તરે નક્કર પગલાં ન લેવાયા અંગે પણ મત વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂકમાં સરકારનો સંપૂર્ણ એકાધિકાર હોવો જોઈએ નહીં અને આ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ રહેલી અરજીઓ પર વહેલી તકે પારદર્શક ફેંસલો આવવો જરૂરી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder