મોરબી:
પોલીસ મહાનિરીક્ષક (IGP) શ્રી સરહદી રેન્જ ભુજ દ્વારા રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા તેમજ ચાલુ તપાસના બાકી આરોપીઓને ઝડપી લેવા માટે તા. ૧ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ખાસ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત મોરબી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે સઘન તપાસ હાથ ધરીને ગંભીર ઘરફોડ ચોરીઓ તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા કુલ ૬ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે.

ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોના નેટવર્કથી ઝડપાયા આરોપીઓ
એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી બી.ડી. ભટ્ટ, પીએસઆઈ શ્રી વી.જી. માલાણી તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે ટેકનિકલ સેલ, હ્યુમન સોર્સિસ અને ખાનગી બાતમીદારોની મદદથી વોન્ટેડ આરોપીઓના છુપાવાના સ્થળો પર દરોડા પાડ્યા હતા.
૫૪ ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલો રીઢો તસ્કર દાહોદથી પકડાયો
હળવદ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા આઈપીસી કલમ ૩૮૦, ૪૫૭ મુજબના ચોરીના ગુનામાં ફરાર આરોપી પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની (ઉં.વ. ૪૫, રહે. લીમડી પ્રતાપનગર, મોર્ડન સ્કૂલ પાસે, તા. ઝાલોદ, જિ. દાહોદ) ને પોલીસે દાહોદથી ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી અગાઉ ગુજરાત અને રાજસ્થાન રાજ્યના અલગ-અલગ પોલીસ મથકોમાં કુલ ૫૪ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.
પકડાયેલા અન્ય આરોપીઓની વિગત:
- શોભનાબેન નવઘણભાઈ ભૂપતભાઈ હમીરપરા (કોળી) (ઉં.વ. ૩૭): વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ. મોરબી-૨, લખધીરપુર રોડ પરથી ઝડપાઈ.
- સોમાભાઈ લધુભાઈ વાઘેલા (દેવીપૂજક) (ઉં.વ. ૨૫): મોરબી સીટી એ-ડિવિઝનના પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ. વાંકાનેર જડેશ્વર મંદિર પાસેના ઝૂંપડામાંથી અટકાયત.
- નવઘણભાઈ જેઠાભાઈ દેગામા (કોળી) (ઉં.વ. ૨૮): વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર. લીલાપર (મોરબી) ખાતેથી ધરપકડ.
- ગનીભાઈ જાકુબભાઈ નોડે (કચ્છી મુસ્લિમ) (ઉં.વ. ૩૫): વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હેઠળ પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ. કાન્તીનગર માળીયા ફાટક પાસેથી અટકાયત.
- સલીમભાઈ ઉર્ફે રાહુલ ફીરોજભાઈ પઠાણ (ઉં.વ. ૨૯): મોરબી તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન ગુનામાં ફરાર. ટીંબડી પાટીયા પાસેથી ઝડપાયો.
તમામ પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સંબંધિત પોલીસ મથકોને સોંપવામાં આવ્યા છે.