મુંબઈ:
દેશના સૌથી વ્યસ્ત વિમાનમથકો પૈકીના એક એવા મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ્સના સુરક્ષિત સંચાલન સામે ટેકનોલોજીકલ જોખમ ઊભું થયું છે. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) કેન્દ્રમાં નવી એર ટ્રાફિક ઓટોમેશન સિસ્ટમ હેઠળ લગાવવામાં આવેલી 42 ઇંચની વ્યાવસાયિક (કોમર્શિયલ) સ્ક્રીનોને કારણે હવાઈ ટ્રાફિક નિયંત્રકોએ હવાઈ સુરક્ષા બાબતે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કંટ્રોલર્સના સંગઠને ભારતીય વિમાનમથક પ્રાધિકરણ (AAI) ના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીને આ સ્ક્રીનોને તાત્કાલિક ધોરણે હટાવી સ્પેશિયલ રડાર ડિસ્પ્લે લગાવવાની માંગણી કરી છે.

સ્પેશિયલ રડાર મોનિટરને બદલે લગાવી દીધા કોમર્શિયલ ટીવી
અહેવાલો અનુસાર, મુંબઈના એરિયા કંટ્રોલ, ઓશનિક કંટ્રોલ અને એપ્રોચ કંટ્રોલ સેન્ટરના લગભગ 70 વર્કસ્ટેશનો પર સેમસંગની 42 ઇંચની વ્યાવસાયિક ડિસ્પ્લે સ્ક્રીનો લગાવી દેવામાં આવી છે. સામાન્ય રીતે એર ટ્રાફિક કંટ્રોલ માટે ખૂબ જ નજીકથી હાઈ-પ્રિસિઝન સાથે જોઈ શકાય તેવા ખાસ રડાર મોનિટર વપરાય છે, જ્યારે આ કોમર્શિયલ ટીવી સ્ક્રીનો દૂરથી જોવા માટે ડિઝાઇન કરાયેલી હોય છે. દિલ્હી અને કોલકાતા જેવા એરપોર્ટ પર અદ્યતન એટીસી મોનિટર વપરાય છે, ત્યારે મુંબઈના એક્ટિવ રડાર કંટ્રોલ પર ટીવી સ્ક્રીન લગાવવા સામે સવાલો ઉઠ્યા છે.
કંટ્રોલર્સને આંખોમાં થાક, માથાનો દુખાવો અને ગરદનમાં તકલીફ
નિયંત્રકોના જણાવ્યા મુજબ, આ વિશાળ સ્ક્રીનોને કલાકો સુધી ખૂબ નજીકથી જોવી પડે છે, જેનાથી આંખોમાં શુષ્કતા, તીવ્ર તાણ, માથાનો દુખાવો અને ગરદન અકડાઈ જવાની સમસ્યા થઈ રહી છે. સ્ક્રીનના રિસ્પોન્સમાં વિલંબ (લેગ) અને લખાણની અસ્પષ્ટતાને કારણે ફ્લાઇટના ડેટા અને વોર્નિંગ્સ તાત્કાલિક વાંચવામાં ભારે મુશ્કેલી પડે છે.
મોટી હવાઈ દુર્ઘટના સર્જાવાનું જોખમ
મુંબઈનું એરસ્પેસ અત્યંત સંવેદનશીલ અને વ્યસ્ત છે, જ્યાં દર મિનિટે લેન્ડિંગ અને ટેક-ઓફ થતાં હોય છે. ખરાબ હવામાન કે હેવી ટ્રાફિક દરમિયાન જો બે વિમાનો વચ્ચેનું અંતર વાંચવામાં સહેજ પણ વિલંબ થાય તો મોટી માનવીય ભૂલ થઈ શકે છે અને વિમાનો ટકરાવાનું જોખમ સર્જાઈ શકે છે. નવી ઈન્દ્ર એર ટ્રાફિક ઓટોમેશન સિસ્ટમના શેડો ટેસ્ટિંગ દરમિયાન જ સામે આવેલી આ ખામીઓને પગલે ઉડ્ડયન ક્ષેત્રે ચકચાર મચી ગઈ છે.