હળવદ:
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવાના ભાગરૂપે હળવદ પોલીસે એક વણઉકેલાયેલા (અનડિટેકટ) ચોરીના ગુનાને ગણતરીના દિવસોમાં ઉકેલી નાખવામાં મોટી સફળતા મેળવી છે. ચરાડવા-કડીયાણા ગામની સીમમાં આવેલી વાડીમાંથી અંદાજે રૂ. 1,00,000ની કિંમતના કોપર કેબલની ચોરી કરનાર આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
મોરબીના રવાપર રોડ પર રહેતા ફરિયાદી લાલજીભાઈ અણદાભાઇ સવસાણીની ચરાડવા-કડીયાણા ગામની સીમમાં વાડી આવેલી છે. ગત તારીખ 18/04/2026ના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ વાડીની ઓરડીમાં રાખેલ આશરે 1600 ફૂટ લાંબો કોપર કેબલ વાયર (કિંમત રૂ. 1,00,000) ચોરી કરી ગયા હતા. આ અંગે હળવદ પોલીસ મથકમાં તારીખ 21/04/2026ના રોજ ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસની કાર્યવાહી અને આરોપીની ધરપકડ
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, હળવદ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં હતો. બાતમીના આધારે પોલીસે કેશુ ઉકાભાઈ રાઠોડ (રહે. સુસવાવ, તા. હળવદ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસે કબજે કરેલ મુદ્દામાલ:
• ચોરી થયેલ અસલ કોપર કેબલ વાયર (આશરે 1600 ફૂટ)
• કુલ કિંમત: રૂ. 1,00,000/-
આ ટીમે ઉકેલ્યો ગુનો
આ સફળ કામગીરીમાં હળવદ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી. વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેકટર એ.બી. મિશ્રા તથા હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જોડાયેલો હતો. હાલ આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
