

વાંકાનેર, 15 ઓગસ્ટ 2026 વાંકાનેર તાલુકામાં જરૂરિયાતમંદ લોકો માટે સતત સેવાકીય કામગીરી કરી રહેલા ઈલમુદ્દીન દેકાવાડીયા અને જયેન્દ્રસિંહ મધુભા ઝાલાની સેવાભાવનાને 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કણકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મામલતદાર કે.વી. સાનિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પીપળીયા રાજના ઈલમુદ્દીન દેકાવાડીયા આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ સહિતની કામગીરી દરમિયાન વૃદ્ધો, વિધવા બહેનો અને જરૂરિયાતમંદ પરિવારોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે માર્ગદર્શન અને મદદરૂપ બનતા આવ્યા છે. તેમની સેવાકીય કામગીરીને અગાઉ પણ બે વખત સન્માન મળી ચૂક્યું છે અને આ ત્રીજું સન્માન છે.

બીજી તરફ, જયેન્દ્રસિંહ મધુભા ઝાલા કોરોના કાળથી આજદિન સુધી જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત કાર્યરત રહ્યા છે. મુશ્કેલીમાં મુકાયેલા લોકોને તાત્કાલિક સહાય, સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને જરૂરી કામગીરીમાં મદદરૂપ થવાની તેમની સેવાભાવનાને પણ 15 ઓગસ્ટના પાવન પર્વે સન્માન મળ્યું છે.


સન્માન કરતાં સેવા મોટી બંને સેવાભાવી યુવાનોની કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની છે. નિઃસ્વાર્થ સેવા, માનવતા અને જરૂરિયાતમંદના સમયે પડખે ઊભા રહેવાની ભાવના જ સાચી લોકસેવાની ઓળખ છે. આવા સેવાભાવી યુવાનોને મળતું સન્માન માત્ર તેમનું ગૌરવ નથી, પરંતુ અન્ય યુવાનોને પણ સમાજસેવા માટે આગળ વધવાની પ્રેરણા આપે છે.