પોલીસ ડાયરી

સાબરકાંઠા એલસીબીની મોટી સફળતા: પોલીસની ખોટી ઓળખ અને ડુપ્લિકેટ નંબર પ્લેટના સહારે ચોરી કરતી આંતરરાજ્ય ‘મીર્ચી ગેંગ’ના 3 સાગરીતો ઝડપાયા

સાબરકાંઠા એલસીબીની મોટી સફળતા: પોલીસની ખોટી ઓળખ અને ડુપ્લિકેટ નંબર પ્લેટના સહારે ચોરી કરતી આંતરરાજ્ય ‘મીર્ચી ગેંગ’ના 3 સાગરીતો ઝડપાયા

હિંમતનગર: સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પોલીસની ખોટી ઓળખ આપી અને ગાડીઓ પર ખોટી નંબર પ્લેટો લગાવીને આંતરરાજ્ય સ્તરે ઘરફોડ ચોરી તેમજ લૂંટ જેવા ગંભીર ગુના આચરતી કુખ્યાત ‘મીર્ચી ગેંગ’નો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના 3 સભ્યોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ ₹૪,૭૨,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

આ રીતે થયો સમગ્ર નેટવર્કનો પર્દાફાશ

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (IGP) શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક (SP) શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે એલસીબી પી.આઈ. શ્રી ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, હિંમતનગરના ભોલેશ્વર ખાતે સુંદરમ સોસાયટીમાં થયેલી ચોરીના આરોપીઓ એક સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડી (નંબર: GJ-01-KD-1378) લઈને ઈડરથી હિંમતનગર તરફ નીકળ્યા છે અને અમદાવાદ તરફ જવાના છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ઘાણઘા મુકામે ગોલ્ડન હેવન કોમ્પ્લેક્સ નજીક નાકેબંધી કરી અને શંકાસ્પદ કારને રોકી તેમાં સવાર ત્રણ ઈસમોને દબોચી લીધા હતા.

પકડાયેલા આરોપીઓના નામ અને સરનામું:

  1. દિનેશકુમાર ઉર્ફે અંબો સ/ઓ જગદીશપ્રસાદ ગોપીલાલ માલી (ઉંમર ૩૭, રહે. બિયાવર, રાજસ્થાન)
  2. રાજેશ સ/ઓ પપ્પુસીંગ ભવરસિંગ રાવત (રાજપુત) (ઉંમર ૨૩, રહે. બિયાવર, રાજસ્થાન)
  3. મહેન્દ્ર સ/ઓ ઝુંજારામ તેજારામ ગુર્જર (ઉંમર ૨૬, રહે. બિયાવર, રાજસ્થાન)

પોલીસનું નકલી આઈકાર્ડ અને ‘મિર્ચી સ્પ્રે’ મળ્યા

પોલીસે જ્યારે ગાડીની તલાશી લીધી ત્યારે તેમાંથી એક જેલ પોલીસનું બનાવટી આઈકાર્ડ (ID Card), આધારકાર્ડ, ડુપ્લિકેટ નંબર પ્લેટો તેમજ ચોરી કરવાના સાધનો જેવા કે ડીસમીસ, પક્કડ અને ટોર્ચ મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને એક સેલ્ફ ડિફેન્સ મિર્ચી સ્પ્રે પણ મળી આવ્યો હતો.

પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ ટોલ પ્લાઝા પર પૈસા બચાવવા અને પોલીસ ચેકિંગથી બચવા માટે પોલીસનું નકલી આઈડી બતાવતા હતા. ગુજરાતમાં ચોરી કરવા માટે પોલીસ ચેક ન કરે તે હેતુથી તેઓ ગાડી પર ખોટી નંબર પ્લેટો (GJ09AG5270 અને GJ01KD1378) લગાવતા હતા. વળી, રાત્રે ચોરી કરતી વખતે જો કોઈ જાગી જાય કે પકડવા આવે, તો તેના પર આ ‘મિર્ચી સ્પ્રે’ છાંટીને ભાગી જવા માટે આ સ્પ્રે સાથે રાખતા હતા.

રિકવર કરેલ મુદ્દામાલની વિગત:

  • સોનાની ચેઈન નંગ-૦૧ – કિંમત ₹૩,૧૨,૦૦૦/-
  • ચાંદીના છડા જોડ નંગ-૦૩ – કિંમત ₹૬૧,૬૦૦/-
  • ચાંદીના સિક્કા નંગ-૦૩ – કિંમત ₹૩,૪૦૦/-
  • મોબાઈલ નંગ-૦૩ – કિંમત ₹૩,૪૦૦/-
  • મારુતિ સ્વિફ્ટ ગાડી – કિંમત ₹૯૫,૦૦૦/- (સાચો રજી. નં. RJ-36-CB-2537)
  • મિર્ચી સ્પ્રે, ટોર્ચ, ડીસમીસ, પક્કડ વગેરે સાધનો
  • કુલ મુદ્દામાલની કિંમત: ₹૪,૭૨,૦૦૦/-

અન્ય વિસ્તારોમાં કરેલી ચોરીઓની કબૂલાત

આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન તેમણે ગુજરાત અને રાજસ્થાનના અન્ય વિસ્તારોમાં કરેલી વધુ ૩ ચોરીઓની પણ કબૂલાત કરી છે:

  1. આશરે ૧૫ દિવસ પહેલાં હિંમતનગર મહેતાપુરા ખાતે એક બંધ મકાનનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.
  2. આશરે ૧ મહિના અગાઉ અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે એક બંધ મકાનનું તાળું તોડી ઘરફોડ ચોરી કરી હતી.
  3. આશરે દોઢ મહિના અગાઉ રાજસ્થાનના ભીલવાડા શહેરમાં એક બંધ મકાનનું તાળું તોડી ચોરી કરી હતી.

આરોપીઓનો જૂનો ગુનાહિત ઇતિહાસ

પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી દિનેશકુમાર રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ ગુજરાતના પારડી, વલસાડ સીટી, ગાગોદર, દસાડા પોલીસ સ્ટેશન તેમજ રાજસ્થાનના બિલાડા, જેતરણ, રતનહાડા, બીચવાલ, કોટા, પીપાડ, જવાજા, રાયપુર અને સિરોહી પોલીસ સ્ટેશનોમાં ચોરી, આર્મ્સ એક્ટ અને જેલ નિયમોના ઉલ્લંઘન સહિતના ૧૫ થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે આરોપી મહેન્દ્ર ગુર્જર સામે પણ રાજસ્થાનના સોજત સીટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ સહિતનો ગુનો નોંધાયેલ છે.

સમગ્ર મામલે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder