રાજકોટ

શેરબજારમાં ૨૦૦૧ પછીની સૌથી મોટી સાપ્તાહિક મંદી: સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકાથી રોકાણકારો પાયમાલ, સરકારની STT આવક ₹૪૨,૦૦૦ કરોડને પાર

શેરબજારમાં ૨૦૦૧ પછીની સૌથી મોટી સાપ્તાહિક મંદી: સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકાથી રોકાણકારો પાયમાલ, સરકારની STT આવક ₹૪૨,૦૦૦ કરોડને પાર

Stock Market Crash,

રાજકોટ:

ભારતીય શેરબજારમાં વૈશ્વિક અનિશ્ચિતતા અને ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે સતત કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે. દલાલ સ્ટ્રીટમાં સળંગ ૯મા સપ્તાહમાં સાપ્તાહિક ઘટાડો નોંધાતાં વર્ષ ૨૦૦૧ પછીની છેલ્લા ૨૫ વર્ષની આ સૌથી લાંબી સાપ્તાહિક મંદી સાબિત થઈ છે. બે મહિનાના ટૂંકા ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી આશરે ૯.૫ ટકા તૂટતાં રિટેલ રોકાણકારોના લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. જોકે, કેસિનોની પ્રખ્યાત કહેવત ‘હાઉસ ઓલવેઝ વિન્સ’ (ક્લબ કાયમ જીતે છે) ની જેમ રોકાણકારોને નફો થાય કે નુકસાન, સરકારની ટેક્સ તિજોરી બેશુમાર ભરાઈ રહી છે.

STT કલેક્શનમાં ૫૩% નો ઉછાળો: ૫ વર્ષમાં સરકારી કમાણી ચાર ગણી વધી

રોકાણકારોના પોર્ટફોલિયો લાલ નિશાનમાં ગરકાવ હોવા છતાં કેન્દ્ર સરકારની સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) ની આવકમાં જંગી વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ છ મહિનામાં સરકારનું STT કલેક્શન ૫૩ ટકા વધીને ₹૪૨,૦૦૦ કરોડને વટાવી ગયું છે. આ આંકડો છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગણો વધ્યો છે:

  • ૨૦૨૨-૨૩ (પ્રથમ ૬ માસ): ₹૧૦,૦૦૦ કરોડ
  • ૨૦૨૩-૨૪ (પ્રથમ ૬ માસ): ₹૧૩,૩૫૨ કરોડ
  • ૨૦૨૪-૨૫ (પ્રથમ ૬ માસ): ₹૨૬,૧૫૪ કરોડ
  • ૨૦૨૫-૨૬ (પ્રથમ ૬ માસ): ₹૨૬,૩૦૬ કરોડ
  • ૨૦૨૬-૨૭ (પ્રથમ ૬ માસ): ₹૪૨,૦૦૦ કરોડ

આ ઉપરાંત રોકાણકારો પાસેથી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (STCG/LTCG), ડિવિડન્ડ ટેક્સ અને શેર બાયબેક પર વસૂલાતો ટેક્સ સરકારની વધારાની આવક બને છે.

મંદી પાછળના મુખ્ય કારણો: FII એ ₹૩ લાખ કરોડ પાછા ખેંચ્યા

માર્કેટમાં આવેલા આ ભૂકંપ પાછળ ઘરેલુ પરિબળો કરતાં વૈશ્વિક સંકટો વધુ જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે:

  1. વિદેશી રોકાણકારો (FII) ની અંધાધૂંધ વેચવાલી: ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ૯ મહિનામાં વિદેશી નાણાકીય સંસ્થાઓએ ભારતીય બજારમાંથી ₹૩ લાખ કરોડથી વધુની ભારે વેચવાલી કરી મૂડી પાછી ખેંચી લીધી છે.
  2. પશ્ચિમ એશિયા સંકટ અને ક્રૂડ: મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના વાદળો અને ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવોએ આયાતી ફુગાવાની ચિંતા વધારી છે.
  3. બોન્ડ યીલ્ડ અને કરન્સી દબાણ: અમેરિકા અને જાપાનના બોન્ડ યીલ્ડમાં ધરખમ ઉછાળો તથા ડોલર સામે રૂપિયો નબળો પડતાં કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

ટોચના શેરો વર્ષના તળિયે

આ મંદીના તોફાનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત ૬૦ જેટલી બ્લુચિપ કંપનીઓના શેર ૫૨-વીક લો (વર્ષના સૌથી નીચલા સ્તરે) પહોંચી ગયા છે. સપ્તાહના અંતે સેન્સેક્સ ૭૧,૯૦૯ અને નિફ્ટી ૨૨,૪૨૨ ના સ્તરે બંધ રહ્યા હતા. અગાઉ કોવિડ સમયગાળામાં બજારે સળંગ ૭ સપ્તાહનો ઘટાડો જોયો હતો, પરંતુ હાલનો ૯ સપ્તાહનો ઘટાડો રોકાણકારો માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder