મોરબી

શાળા પ્રવેશોત્સવનો સાચો સંકલ્પ: નેતાઓના સંદેશા સાથે શિક્ષકોની ભરતી અને સરકારી શાળાઓમાં વિશ્વાસ વધે તે સમયની માંગ

શાળા પ્રવેશોત્સવનો સાચો સંકલ્પ: નેતાઓના સંદેશા સાથે શિક્ષકોની ભરતી અને સરકારી શાળાઓમાં વિશ્વાસ વધે તે સમયની માંગ

રિપોર્ટ.સંજય નદેસરીયા.હળવદ
હળવદ સહિત સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને સ્થાનિક આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણના પ્રવાહ સાથે જોડવાનો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
પરંતુ આ ઉજવણી વચ્ચે કેટલીક મૂળભૂત બાબતો પર પણ ધ્યાન આપવું એટલું જ જરૂરી બની ગયું છે. અનેક સરકારી શાળાઓમાં આજે પણ શિક્ષકોની ઘટ જોવા મળે છે. ક્યાંક એક જ શિક્ષક ધોરણ 1 થી 3ના વિદ્યાર્થીઓને એકસાથે ભણાવતો જોવા મળે છે તો ક્યાંક વિષયવાર શિક્ષકોની અછત શિક્ષણની ગુણવત્તા પર અસર કરતી હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ માત્ર નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવાનો કાર્યક્રમ ન રહે, પરંતુ શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો અવસર બને તો તેનો હેતુ વધુ સાર્થક બની શકે. શિક્ષકોની ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય, આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બને અને સરકારી શાળાઓ પ્રત્યે જનવિશ્વાસ વધુ મજબૂત થાય તે જરૂરી છે.સામાજિક ચિંતકોનું માનવું છે કે જો જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદો અને અન્ય આગેવાનો પોતાના સંતાનોને પણ સરકારી શાળાઓમાં અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે તો સરકારી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ અનેકગણો વધી શકે. આવા પગલાંથી સરકારી શાળાઓના વિકાસ માટે વધુ જવાબદારી અને ગુણવત્તા સુધારવાની હરીફાઈ પણ સર્જાઈ શકે.આજના શાળા પ્રવેશોત્સવનો સાચો સંદેશ માત્ર પ્રવેશ વધારવાનો નહીં, પરંતુ ગુણવત્તાસભર શિક્ષણ, પૂરતા શિક્ષકો અને સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો છે. જ્યારે પ્રવેશોત્સવ સાથે શિક્ષકોની ઘટ દૂર થશે અને સમાજના દરેક વર્ગનો સરકારી શિક્ષણમાં વિશ્વાસ વધશે, ત્યારે જ શિક્ષણ ક્રાંતિનું સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થઈ શકશે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder