


મોરબી : મોરબી મહા નગર પાલિકા ની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હજુ સત્તાવાર રીતે ખાતા-સત્તા સોંપણીની પ્રક્રિયા પૂર્ણ પણ થઈ નથી, ત્યાં જ ચૂંટાયેલા નગરસેવકો પ્રજાના પ્રશ્નોને લઈ મેદાનમાં ઉતરતા જોવા મળી રહ્યા છે. વોર્ડ નં-૭ના ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી અને મમતાબેન ઠાકર દ્વારા મહેન્દ્રપરા વિસ્તારમાં કચરાની સમસ્યાને લઈ ત્વરિત કાર્યવાહી કરાવતાં પ્રજાહિતની સકારાત્મક કામગીરીનું ઉદાહરણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મહેન્દ્રપરા વિસ્તારમાં જાહેરમાં ફેલાયેલા કચરા અંગે જાગૃત નાગરિક દ્વારા બનાવાયેલ વિડિયો અને મીડિયા અહેવાલની જાણ થતા ચૂંટાયેલા કોર્પોરેટરોએ મામલાને ગંભીરતાથી લીધો હતો. ફરિયાદ મળ્યાના માત્ર બે કલાકની અંદર જ મનપાના સફાઈ વિભાગ સાથે સંકલન કરી સ્થળ પર સફાઈ કામગીરી હાથ ધરાવવામાં આવી હતી.
વિશેષ બાબત એ રહી કે રવિવારનો દિવસ હોવા છતાં મોરબી મહાનગરપાલિકાના સફાઈ વિભાગની ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપી કામગીરી પૂર્ણ કરી હતી, જેને સ્થાનિકોમાં પ્રશંસા મળી રહી છે.ચૂંટાયેલા કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી અને મમતાબેન ઠાકરએ લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ કરી હતી અને શહેરને સ્વચ્છ રાખવામાં જનસહભાગિતાનું મહત્વ પણ સમજાવ્યું હતું. તેમણે વોર્ડ નં-૭ના તમામ વિસ્તારોના પ્રશ્નોના નિરાકરણ માટે કટીબદ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણી જીત્યા બાદ સત્તાની ઔપચારિક જવાબદારી સંભાળ્યા પહેલાં જ પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા આવા પ્રયાસો લોકપ્રતિનિધિ તરીકે સકારાત્મક સંદેશ આપે છે. વિકાસ અને જાહેર સુવિધાના મુદ્દે ઝડપથી પ્રતિસાદ આપવાની વૃત્તિ પ્રજામાં વિશ્વાસ મજબૂત બનાવે છે. પ્રજાહિતને કેન્દ્રમાં રાખી કામગીરી કરનાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રોત્સાહન મળે તે પણ લોકશાહીના હિતમાં મહત્વપૂર્ણ ગણાય છે.