મોરબી

મોરબીના શોભેશ્વર રોડ હત્યા કેસમાં ચાર આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા

મોરબીના શોભેશ્વર રોડ હત્યા કેસમાં ચાર આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા

મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં થયેલી યુવાનની હત્યાના ગુનામાં શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં ચારેય આરોપીઓ ને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને પોલીસને બાતમી આપવાની શંકાના કારણે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના સુધારા પ્લોટ વિસ્તારમાં રહેતા ઈરફાન ગફુર ભટ્ટીએ ફારૂક અલારખા ભટ્ટી, રીયાઝ ફારૂક ભટ્ટી, સમીર સૈયદ અને નાઝીમ દિવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના કાકા ફારૂકભાઈ અલારખાભાઈ ભટ્ટી ગેરકાયદેસર વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. ફરિયાદ મુજબ, પોલીસ દ્વારા કાર્યવાહી થતી હોવાથી ફારૂકભાઈ તેમના ભત્રીજા હનીફભાઈ પર પોલીસને બાતમી આપવાનો વહેમ રાખતા હતા. આ મુદ્દે અગાઉ પણ બંને વચ્ચે તકરાર થઈ હતી. આ અદાવતના કારણે આરોપીઓએ મળીને હનીફભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો તેમજ બંદૂકના ફાયરિંગ કરીને તેમની હત્યા કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે થાનગઢ અને વાંકાનેર હાઈવે વિસ્તારેથી ફારૂક અલારખા ઉર્ફે બટુક કવાલ ભટ્ટી, સમીર જાકીર પીરજાદા, રીયાઝ ફારૂક ભટ્ટી અને નાઝીમ દિલાવર ઉર્ફે મુનાફ દિવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ફારૂક ભટ્ટી વિરુદ્ધ થાનગઢ, જોરાવરનગર અને વાંકાનેર તાલુકા પોલીસ મથકોમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. સમીર સામે પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. જ્યારે રીયાઝ ભટ્ટી અને નાઝીમ દિવાન વિરુદ્ધ પણ આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder