મોરબી: જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી ક્રાઈમ બ્રાંચ (LCB) ની ટીમે ટંકારા તાલુકાના સરાયા ગામે રેડ કરી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ખાનગી બાતમીના આધારે કાર્યવાહી
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધીક્ષકની સૂચનાથી LCB/પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ટંકારાના સરાયા ગામે રહેતો ઈમ્તિયાઝ ઉર્ફે ઈન્તુ અબ્દુલભાઈ જેશાણી (સંધી) પોતાના મકાનમાં દેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે.
મુદ્દામાલ અને ધરપકડ
બાતમીના આધારે પોલીસે સરાયા ગામે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસને મકાનમાંથી ૨૮૯ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. ૫૭,૮૦૦/- થાય છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ઈન્તુની ધરપકડ કરી છે અને ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
વધુ એક આરોપીની શોધખોળ
આ ગુનામાં રાજકોટના જરીયા ગામનો રાહુલ દેવીપુજક નામનો શખ્સ પકડવાનો બાકી હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ટીમ કામગીરી
આ સફળ કામગીરી LCB મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલ, PSI બી.ડી. ભટ્ટ, PSI વી.જી. માલાણી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
