


વાંકાનેર, તા. 24 જૂન 2026 પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત પીએમ શ્રી રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા, નવાપરા (વાંકાનેર) ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં એક નાનકડી વિદ્યાર્થીનીએ પોતાની પ્રતિભાથી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ધોરણ-3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તમન્ના આરીફભાઈ અફેદીએ “બેટી બચાવો, બેટી ભણાવો” વિષય પર આત્મવિશ્વાસપૂર્વક અને અસરકારક વક્તવ્ય રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો તેમજ શાળા પરિવારની પ્રશંસા મેળવી હતી. રાજ્યકક્ષા મંત્રી તથા વાંકાનેરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયે લા આ કાર્યક્રમમાં તમન્નાએ બાળકી ના શિક્ષણ, સશક્તિકરણ અને સમાજમાં તેના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી સૌને પ્રભાવિત કર્યા હતા. નાની ઉંમરમાં જ જાહેર મંચ પર નિર્ભયતાથી રજૂઆત કરવી એ તેની પ્રતિભા અને સંસ્કારનું પ્રતિબિંબ છે.તમન્ના માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ ધાર્મિક અને નૈતિક શિક્ષણમાં પણ રસ ધરાવે છે. કુરઆનના પાઠ સાથે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધતી આ નાનકડી બાળકી આજે પોતાના માતા-પિતા અને સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવનું કારણ બની છે.ખાસ વાત એ છે કે તમન્નાના પિતા આરીફખાન પઠાણ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મહેનત અને સંઘર્ષ વચ્ચે પણ દીકરીના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેમની આ પ્રતિબદ્ધતા આજે તમન્નાની સફળતામાં સ્પષ્ટપણે જોવા મળે છે.સમાજમાં ઘણી વખત મર્યાદિત સંસાધનો વચ્ચે પણ માતા-પિતા પોતાના સંતાનોના સપનાઓને પાંખ આપતા હોય છે. તમન્નાની સિદ્ધિ એ સાબિત કરે છે કે પ્રતિભા કોઈપણ આર્થિક પરિસ્થિતિની મોહતાજ નથી. યોગ્ય માર્ગદર્શન, મહેનત અને પ્રોત્સાહન મળે તો સામાન્ય પરિવારમાંથી પણ અસામાન્ય સફળતાઓ સર્જાઈ શકે છે. મુસ્લિમ પઠાણ પરિવારની આ નાનકડી પરી આજે માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર વાંકાનેર અને શાળા પરિવારનું ગૌરવ બની છે. તમન્ના આરીફખાન પઠાણને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં સૌએ તેની ઉત્તરોત્તર પ્રગતિની કામના વ્યક્ત કરી છે.
