નવી દિલ્હી

ભાજપ સંગઠનમાં નારીશક્તિનો દબદબો: નવી ટીમમાં 32% મહિલાઓ, સ્મૃતિ ઈરાનીને 2 રાજ્યોની કમાન તો ગુજરાતી મહિલા નેતાઓ પર મોટો ભરોસો

ભાજપ સંગઠનમાં નારીશક્તિનો દબદબો: નવી ટીમમાં 32% મહિલાઓ, સ્મૃતિ ઈરાનીને 2 રાજ્યોની કમાન તો ગુજરાતી મહિલા નેતાઓ પર મોટો ભરોસો

BJP Organization

નવી દિલ્હી

આગામી સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાનારી મહત્વપૂર્ણ વિધાનસભા ચૂંટણીઓ અને રાષ્ટ્રીય સ્તરની રાજકીય રણનીતિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના કેન્દ્રીય સંગઠનમાં મોટો ફેરબદલ કર્યો છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા ૬૫ પ્રભારી અને સહપ્રભારીઓની નવી યાદીમાં ખાસ કરીને મહિલા મતદારોને આકર્ષવા અને સંગઠનમાં મહિલા નેતૃત્વને મજબૂત કરવા સ્પષ્ટ સંદેશ અપાયો છે. નવી ટીમમાં આશરે ૩૨ ટકા એટલે કે દર ત્રણમાંથી એક મહિલા નેતાનો સમાવેશ કરીને કુલ ૨૧ મહિલાઓને મહત્વપૂર્ણ રાજકીય મોરચા સોંપવામાં આવ્યા છે, જેમાં ૪ મહિલાઓ રાજ્યના મુખ્ય પ્રભારી અને ૧૭ સહપ્રભારી બન્યા છે.

સ્મૃતિ ઈરાનીનું જોરદાર કમબેક: હરિયાણા અને છત્તીસગઢની કમાન

અમેઠી લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સ્મૃતિ ઈરાનીનું કદ સંગઠનમાં ફરી મજબૂત બન્યું છે. તેમને હરિયાણા અને છત્તીસગઢ જેવા બે મહત્વના રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડી. પુરંદેશ્વરીને ઓડિશાના ઈન્ચાર્જ, જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ભારતી પવારને ગોવાની જવાબદારી સોંપાઈ છે.

ગુજરાતના મહિલા નેતાઓ પર મોટો ભરોસો: દર્શનાબેન અને વર્ષાબેન દોશીને જવાબદારી

ભાજપ હાઈકમાન્ડે ગુજરાતના કદાવર મહિલા નેતાઓને રાજ્ય બહાર મહત્વની જવાબદારીઓ સોંપી છે:

  • વર્ષાબેન દોશી: ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રીય ઉપપ્રમુખ વર્ષાબેન દોશીને દાદરા-નગર હવેલી, દમણ અને દીવના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
  • દર્શનાબેન જરદોશ: પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને દેશની રાજધાની દિલ્હીના સહપ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે.
  • આ ઉપરાંત સહપ્રભારીઓની યાદીમાં નવી પેઢીના નેતા બાંસુરી સ્વરાજ, કમલજીત શેરાવત, કવિતા પાટીદાર, રેખા વર્મા, રેખા શર્મા, પિન્કી કુશવાહા, ડી.કે. અરુણા, દર્શના સિંઘ અને વાસંથી શ્રીનિવાસન જેવા પ્રભાવશાળી ચહેરાઓને સ્થાન અપાયું છે.

અનિલ બલુનીને મીડિયા-સોશિયલ મીડિયાની સંયુક્ત જવાબદારી, માલવિયા દિલ્હીમાં

સંગઠનાત્મક ફેરબદલમાં અનિલ બલુનીને કોમ્યુનિકેશન વિભાગના વડા બનાવી મીડિયા અને સોશિયલ મીડિયા બંને વિંગ તેમના હેઠળ મુકાઈ છે. જ્યારે આઈટી સેલમાંથી મુક્ત કરાયેલા અમિત માલવિયાને વિનય સહસ્ત્રબુદ્ધે સાથે દિલ્હીના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે આવી રહેલી ચૂંટણીને લઈને ૪ સહપ્રભારી મુકાયા છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ સહપ્રભારી કાર્યરત રહેશે. ફરી સક્રિય થયેલા વરિષ્ઠ રણનીતિકાર રામ માધવને તમિલનાડુ અને ઉત્તરાખંડની જવાબદારી સોંપાઈ છે.

સ્મૃતિ ઈરાની અને અમિત માલવિયા રાજ્યસભા જશે? રાજકીય અટકળો તેજ

નવી ટીમની જાહેરાત સાથે જ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની આગામી ચૂંટણી માટે નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની ખાલી પડી રહેલી ૧૦ બેઠકો પર સ્મૃતિ ઈરાનીને રાજ્યસભા મારફતે લાવવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત અમિત માલવિયાનું નામ પણ રાજ્યસભાની રેસમાં ચર્ચામાં હોવાથી પક્ષ કયા નેતા પર પસંદગીનો કળશ ઢોળે છે તેના પર દેશભરના રાજકીય વિશ્લેષકોની નજર ટકેલી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder