નવી દિલ્હી

UPI MDR ચાર્જ વિવાદ સુપ્રીમ કોર્ટમાં: કેન્દ્ર સરકાર, RBI અને NPCI ને નોટિસ; નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર

UPI MDR ચાર્જ વિવાદ સુપ્રીમ કોર્ટમાં: કેન્દ્ર સરકાર, RBI અને NPCI ને નોટિસ; નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર

UPI Payment

નવી દિલ્હી:

દેશભરમાં ૨,૦૦૦ રૂપિયાથી વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ વસૂલવાના નિર્ણય સામે વેપારીઓ અને સામાન્ય જનતામાં ઉગ્ર વિરોધ વચ્ચે આ સમગ્ર મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ના દ્વારે પહોંચ્યો છે. યુપીઆઈ પેમેન્ટ પર નવો ચાર્જ લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. અદાલતે હાલના તબક્કે આ ચાર્જ પર કોઈપણ પ્રકારનો સ્ટે (મનાઈહુકમ) આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, પરંતુ કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) સહિતના તમામ પક્ષકારો પાસેથી કડક જવાબ તલબ કર્યો છે.

કેન્દ્ર સરકાર, RBI, NPCI અને UPI કમિટીને નોટિસ: ૪ અઠવાડિયામાં માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતના વડપણ હેઠળની ખંડપીઠે આ મામલે કેન્દ્ર સરકાર, દેશની કેન્દ્રીય બેંક આરબીઆઈ (RBI), નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) તેમજ યુપીઆઈ કમિટીને નોટિસ ફટકારી છે. સર્વોચ્ચ અદાલતે તમામ સંબંધિત સંસ્થાઓને આગામી ૪ અઠવાડિયાની અંદર આ મામલે પોતાનું સત્તાવાર સોગંદનામું અને વિગતવાર ખુલાસો રજૂ કરવા આદેશ આપ્યો છે.

ખંડપીઠનો વેધક સવાલ: ‘0.4 ટકા MDR એ ફી છે, ટેક્સ છે કે અન્ય કોઈ ચાર્જ?’

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે કેન્દ્ર સરકાર સમક્ષ મહત્વપૂર્ણ બંધારણીય અને નાણાકીય સ્પષ્ટતા માંગી છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સરકાર સ્પષ્ટ કરે કે ૨,૦૦૦ રૂપિયાથી વધુના સિલેક્ટેડ યુપીઆઈ વ્યવહારો પર વસૂલવામાં આવી રહેલો ૦.૪ ટકા MDR ચાર્જ વાસ્તવમાં શું છે? શું તે મર્ચન્ટ સર્વિસ ફી છે, કોઈ પરોક્ષ ટેક્સ છે કે પછી અન્ય કોઈ પ્રકારનો કમિશન ચાર્જ છે? આ ચાર્જનું કાયદાકીય સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે સરકારે અદાલત સમક્ષ દસ્તાવેજી વિગતો મૂકવી પડશે.

દેશભરમાં વેપારીઓનો વિરોધ યથાવત: સ્ટે ન મળતાં ચર્ચા તેજ

નોંધનીય છે કે ૨,૦૦૦ રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર ચાર્જ ઝીંકાતાં જ સમગ્ર દેશ સહિત ગુજરાતના વેપારી મંડળોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આગામી ૨ ઓક્ટોબરે દેશવ્યાપી UPI બહિષ્કારનું એલાન પણ અપાયું છે. આવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટે ચાર્જની અમલવારી પર તાત્કાલિક સ્ટે ન આપતાં સરકારને આંશિક રાહત મળી છે, પરંતુ ૪ અઠવાડિયામાં નોટિસનો જવાબ આપવાનો હોવાથી હવે સમગ્ર દેશની નજર કેન્દ્ર સરકાર અને આરબીઆઈના ખુલાસા તેમજ સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી પર ટકેલી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder