હળવદ: હળવદના શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે શ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ તેમજ ગ્રામ્ય મંડળ દ્વારા આયોજિત ‘સપનો કી ઉડાન’ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અંગે પ્રોત્સાહિત કરવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સંતો-મહંતો અને શ્રેષ્ઠીઓના હસ્તે દીપ પ્રાગટ્ય
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત સંતો-મહંતો, સમાજના પ્રમુખશ્રીઓ અને શ્રેષ્ઠીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ અવસરે સમાજના અગ્રણીઓએ શિક્ષણનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
રાહુલ ભારત સરનું પ્રેરણાદાયી સંબોધન
સેમિનારમાં જાણીતા મોટીવેશન સ્પીકર રાહુલ ભારત સરે પોતાના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ ભર્યો હતો. તેમણે કારકિર્દીના વિવિધ વિકલ્પો અને સફળતા મેળવવાના મંત્રો આપતા વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત સતવારા કન્યા છાત્રાલયની બાળાઓ તેમજ ધોરણ 10 અને 12 ના અંદાજે 750 થી 800 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભવ્ય જનમેદની અને સન્માન સમારોહ
આ કાર્યક્રમમાં સમગ્ર સતવારા સમાજના દાતાશ્રીઓ અને આગેવાનો સહિત અંદાજે 3000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ રાઠોડ દ્વારા કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ અને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
યુવા ટીમે કાર્યક્રમ સફળ બનાવ્યો
કાર્યક્રમને સફળ બનાવવા માટે સતવારા સમાજના નાના-મોટા દરેક યુવા મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમાજના ઉત્થાન અને વિદ્યાર્થીઓના હિતમાં યોજાયેલા આ કાર્યક્રમની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.
રિપોર્ટ: સંજય નંદેસરિયા, હળવદ


