નવી દિલ્હી:
દેશભરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ અને તેમના લાચાર પરિવારો પાસેથી મેડિકલ સાધનો, દવાઓ તેમજ કન્ઝ્યુમેબલ્સ (વપરાશની વસ્તુઓ) ના નામે સેંકડો ગણા વધુ ભાવ વસૂલીને ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ઉત્પાદક કંપનીઓ કે હોલસેલ બજારમાંથી નજીવા દરે ખરીદાયેલા સાધનો દર્દીના બિલમાં આસમાને પહોંચાડી દેવામાં આવે છે. આ પ્રકારની ઢગલાબંધ ગંભીર ફરિયાદો બાદ કેન્દ્ર સરકારનું રસાયણ અને ખાતર મંત્રાલય હરકતમાં આવ્યું છે અને હોસ્પિટલોના ખરીદ બિલ તેમજ દર્દીઓને ફટકારાતા બિલિંગ માળખાની સર્વગ્રાહી સમીક્ષા શરૂ કરી દીધી છે.

ચોંકાવનારા ખુલાસા: ₹૧૧ ના આઇવી સેટના ₹૩૨૫ અને ₹૭ ની સિરીંજના ₹૫૭ વસૂલાયા!
મહારાષ્ટ્રની ખાનગી હોસ્પિટલોના દસ્તાવેજો અને ઓડિટ તપાસ દરમિયાન સામે આવેલા આંકડા સામાન્ય નાગરિકની આંખો પહોળી કરી દે તેવા છે:
- આઇવી સેટ (IV Set): હોસ્પિટલે માત્ર રૂ. ૧૧ માં ખરીદ્યો હતો, જ્યારે દર્દીના બિલમાં રૂ. ૩૨૫ ઝીંકાયા.
- કેથેટર (Catheter): હોસ્પિટલની ખરીદ કિંમત માત્ર રૂ. ૨૯ હતી, દર્દી પાસેથી રૂ. ૩૧૦ વસૂલાયા.
- મેડિકલ સિરીંજ: માત્ર રૂ. ૭ માં ખરીદેલી સોય-સિરીંજના દર્દી પાસે રૂ. ૫૭ લેવાયા.
- નેબ્યુલાઇઝર અને ઓક્સિજન માસ્ક: બજારમાંથી રૂ. ૪૦ થી ૫૦ માં ખરીદાયેલા માસ્કના બિલમાં સીધા રૂ. ૬૫૦ થી ૭૧૫ સુધી વસૂલવામાં આવ્યા.
MRP નહીં, વાસ્તવિક ખરીદ કિંમત બનશે તપાસનો આધાર
મંત્રાલયના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી હોસ્પિટલો પ્રોડક્ટ પર છાપેલી મહત્તમ છૂટક કિંમત (MRP) નો હવાલો આપીને પોતાનો બચાવ કરતી હતી. પરંતુ હવે નવી સરકારી તપાસમાં માત્ર MRP ને આધાર માનવામાં નહીં આવે. હોસ્પિટલે ખરેખર કઈ કિંમતે સામાન ખરીદ્યો અને દર્દીને કયા ભાવે આપ્યો—આ બંને વચ્ચેના વાસ્તવિક તફાવતને મુખ્ય આધાર બનાવીને તપાસ કરવામાં આવી રહી છે.
પરિવારની લાચારી અને ઇન-હાઉસ ફાર્મસીનું કમિશન નેટવર્ક
આઇસીયુ કે ઇમરજન્સીમાં દાખલ દર્દીના પરિવારજનો માટે જીવન-મરણની સ્થિતિ વચ્ચે બહાર જઈને ભાવની સરખામણી કરવી કે બહારથી સાધનો લાવવા શક્ય હોતા નથી. વધુમાં હોસ્પિટલો પોતાની જ ‘ઇન-હાઉસ ફાર્મસી’ માંથી દવા અને સાધનો ખરીદવાનો આગ્રહ રાખતી હોવાથી દર્દીઓની નિર્ભરતા વધી જાય છે અને સમગ્ર સારવારનો ખર્ચ લાખો રૂપિયામાં પહોંચી જાય છે.
હોસ્પિટલોની દલીલ અને સરકારનો કડક વલણ
બીજી તરફ, હોસ્પિટલ સંચાલકોએ બચાવ કરતાં દલીલ કરી છે કે ખરીદ કિંમત અને બિલ વચ્ચેના અંતરને સીધો નફો ન ગણી શકાય, કારણ કે તેમાં સ્ટોરેજ, સ્ટાફિંગ, ઇન્ફેક્શન કંટ્રોલ અને મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટનો મોટો સંચાલન ખર્ચ સામેલ હોય છે. જોકે સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે વ્યાજબી સંચાલન ખર્ચને બાદ કરતાં દર્દીઓ પાસેથી આડેધડ થતી લૂંટ ચલાવી લેવાશે નહીં. આ સમીક્ષા પૂર્ણ થયા બાદ હોસ્પિટલ કન્ઝ્યુમેબલ્સ પર ટ્રેડ માર્જિન (નફાની મર્યાદા) નક્કી કરવા માટે કેન્દ્ર સરકાર કડક ગાઇડલાઇન અને નિયમો જાહેર કરશે.