વાંકાનેર :
“શહેર આપણું છે તો સ્વચ્છતાની જવાબદારી પણ આપણી છે”—આ પવિત્ર સંદેશ સાથે ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સમગ્ર દેશ સહિત વાંકાનેરમાં પણ મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાનના અનેક કાર્યક્રમો યોજાયા હતા. નેતાઓ અને અધિકારીઓએ હાથમાં ઝાડુ પકડીને સ્વચ્છતાના મોટા-મોટા દાવા કર્યા અને ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. પરંતુ આ દાવાઓની વાસ્તવિકતા વાંકાનેરના લક્ષ્મીપરા મેઈન રોડ પર સાવ વિપરીત જોવા મળી રહી છે, જ્યાં જાહેર માર્ગ પર બારેમાસ વહેતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી તંત્રની ઘોર લાપરવાહીની ચાડી ખાઈ રહ્યા છે.

ઝાડુ એક દિવસનું, પણ સમસ્યા બારેમાસની
ગાંધીજીના વિચારોનો સાચો અર્થ માત્ર વર્ષમાં એક દિવસ પ્રતીકાત્મક રીતે રસ્તા પર ઝાડુ ફેરવવાનો નહોતો, પરંતુ ગંદકી ક્યારેય પેદા જ ન થાય તેવી કાયમી અને વ્યવસ્થિત સિસ્ટમ ઊભી કરવાનો હતો. લક્ષ્મીપરા વિસ્તારમાં લાંબા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહીશો અને રાહદારીઓ અસહ્ય દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિક નાગરિકો સવાલ કરી રહ્યા છે કે જો સમસ્યા બારેમાસ સતાવી રહી હોય તો તેના કાયમી ઉકેલ માટે પાલિકા તંત્ર ક્યારે જાગશે?
પક્ષીય રાજકારણ બાજુ પર મૂકી કાયમી ઉકેલ લાવવા માંગ
સ્થાનિક રહીશોના મતે વિકાસના રાજકારણમાં પક્ષીય ખેંચતાણ ચાલતી રહે છે, પરંતુ પીવાનું પાણી, રસ્તા અને ડ્રેનેજ જેવી પ્રાથમિક નાગરિક સુવિધાઓમાં રાજકારણને કોઈ સ્થાન ન હોવું જોઈએ. શાસક પક્ષ ભાજપ હોય કે વિપક્ષ કોંગ્રેસ—પ્રજાએ ચૂંટેલા જનપ્રતિનિધિઓની પહેલી નૈતિક જવાબદારી લોકોના રોજિંદા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની છે. પ્રજાને કોઈ પક્ષીય વિવાદમાં નહીં પરંતુ ગંદકીમુક્ત વાતાવરણ અને રોડ-રસ્તાના પરિણામોમાં રસ છે.

માત્ર ફોટોગ્રાફ પૂરતી સ્વચ્છતા નહીં, કાયમી ડ્રેનેજ વ્યવસ્થા જરૂરી
ડિજિટલ યુગમાં એક દિવસના ઝાડુ સાથેના ફોટોસેશનથી વાહવાહી તો મળી જાય છે, પરંતુ તેનાથી જમીની હકીકત બદલાતી નથી. વાંકાનેર નગરપાલિકા તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરે, ચોકઅપ થયેલી ભૂગર્ભ ગટર લાઈનનું મૂળ કારણ શોધી તેનું સમારકામ કરે અને કાયમી ધોરણે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી લોકલાગણી પ્રબળ બની છે. જો આ સમસ્યાનો કાયમી નિકાલ આવશે તો જ ગાંધીજીના સ્વચ્છતાના આદર્શોને સાચી શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે.