
“‘વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામે 15 ઓગસ્ટની ગૌરવભેર ઉજવણી”‘

વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામની પ્રાથમિક શાળા ખાતે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવાનો ગૌરવભેર કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર શાળા પરિસર તિરંગાના રંગે રંગાયું હતું અને રાષ્ટ્રગાન સાથે દેશભક્તિના જયઘોષથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા તથા સભ્ય ફારૂકભાઈ કડીવાર, કોઠારિયા ગામના સરપંચ આંબાભાઈ, તેમજ અનિમેષભાઈ દુબરિયા, ઠાકર હિરેનભાઈ, પટેલ ધર્મેશભાઈ, કાનાની ભરતભાઈ, પડસુબિયા રમેશભાઈ અને પટેલ કૌશિકભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કોઠારિયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવના જગાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશની એકતા-અખંડિતતાનું મહત્વ યાદ કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ માત્ર એક ઉજવણીનો દિવસ નહીં, પરંતુ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વીર સપૂતોને યાદ કરવાનો અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારીને સમજવાનો દિવસ છે.

કોઠારિયા ગામમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પણ ‘દેશ પ્રથમ’ની ભાવના સાથે તિરંગાને નમન અને ભારત માતાના જયઘોષથી રાષ્ટ્રપ્રેમની લાગણી પ્રગટ થઈ હતી.વિદ્યાર્થીઓના ચહેરા પરનો ઉત્સાહ અને ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. રાષ્ટ્રધ્વજની શાન અને દેશની એકતા-અખંડિતતાનો સંદેશ આપતા આ કાર્યક્રમથી નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બને તેવો સકારાત્મક સંદેશ મળ્યો હતો.
