અમદાવાદ:
અમદાવાદ શહેરમાં યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ કમિશનરની ‘ઝીરો ટોલરન્સ નીતિ’ હેઠળ સરખેજ પોલીસને મોટી સફળતા મળી છે. પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર મોડી રાત્રે વાહન ચેકિંગ દરમિયાન સરખેજ પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો
સરખેજ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તા. ૨૭/૦૯/૨૦૨૬ના રોજ મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ મોન્ટે ક્રિષ્ટો કટ, તાજ હોટેલ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન એસ.પી. રિંગ રોડ તરફથી આવી રહેલા એક કાળા કલરના બજાજ ચેતક ઇલેક્ટ્રિક વાહન (નંબર GJ-01-YF-1234) ને શંકાના આધારે રોકવામાં આવ્યું હતું. વાહનની ડેકી તપાસતા તેમાંથી ગેરકાયદેસર ૩૧ ગ્રામ ૬૧૦ મિલી હાઇબ્રિડ ગાંજો (કિંમત રૂ. ૧૫,૮૦૫/-) મળી આવ્યો હતો.
પાન પાર્લર પર આપવાનો હતો જથ્થો
ઝડપાયેલા બંને સવારોના રિમાન્ડ અને પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ જથ્થો કુણાલ પટેલ પાસેથી મેળવીને સિંધુભવન રોડ પર સંકલ્પ સ્ક્વેર ખાતે આવેલા ‘રીચીરીચ પાન પાર્લર’ના સંચાલક રાજેશ દેવાસીને આપવાનો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ ચેઇનમાં સંકળાયેલા તમામ ૪ આરોપીઓની ધરપકડ કરી છે.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
- ચંદ્રવીરસિંહ શંભુસિંહ પવાર (ઉં.વ. ૧૯) – રહે. ગિરનાર એપાર્ટમેન્ટ, ઝાયડસ રોડ, થલતેજ, અમદાવાદ (મૂળ રહે. ડુંગરપુર, રાજસ્થાન)
- ભદ્રવીરસિંહ સૂર્યવીરસિંહ ચૌહાણ (ઉં.વ. ૧૯) – રહે. નર્મદા આવાસ, સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ (મૂળ રહે. ડુંગરપુર, રાજસ્થાન)
- કૃણાલ પ્રવિણભાઈ પટેલ (ઉં.વ. ૩૧) – રહે. અક્ષર પ્લેટિનિયમ, નાના ચિલોડા, નરોડા, અમદાવાદ (મૂળ રહે. માણસા, ગાંધીનગર)
- રાજેશકુમાર વિરારામજી દેવાસી (ઉં.વ. ૨૬) – રહે. શોપ નં. ૩, રીચીરીચ પાન પાર્લર, સિંધુભવન રોડ, સરખેજ, અમદાવાદ (મૂળ રહે. પાલી, રાજસ્થાન)
આ સમગ્ર રેકેટમાં રાજસ્થાનના ઉદયપુરનો ‘તૌફીક’ નામનો શખ્સ વોન્ટેડ જાહેર થયો છે. સરખેજ પોલીસે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ડ્રગ્સ સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.