અમદાવાદ

અમદાવાદ પાલડી ફ્લેટમાંથી ₹109 કરોડના સોના-રોકડ જપ્તી કેસ: ગુજરાત હાઈકોર્ટે આરોપીઓને આપ્યા આગોતરા જામીન

અમદાવાદ પાલડી ફ્લેટમાંથી ₹109 કરોડના સોના-રોકડ જપ્તી કેસ: ગુજરાત હાઈકોર્ટે આરોપીઓને આપ્યા આગોતરા જામીન

Ahmedabad Gold Smuggling

અમદાવાદ:

અમદાવાદના પોશ ગણાતા પાલડી વિસ્તારના એક ફ્લેટમાંથી ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને ગુજરાત એટીએસ (ATS) દ્વારા સંયુક્ત દરોડા પાડીને પકડાયેલા ₹109.33 કરોડના અતિચકચારી સોનાની દાણચોરી કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે આ કેસના આરોપી મેઘકુમાર મહેન્દ્રકુમાર શાહ અને તેમના પિતાની આગોતરા જામીન અરજીઓ શરતોને આધીન ગ્રાહ્ય રાખી છે. હાઇકોર્ટે સ્પષ્ટ ટકોર કરી હતી કે તપાસ એજન્સીઓ પાસે ધરપકડની કાનૂની સત્તા હોય તેનો અર્થ એવો નથી કે દરેક કેસમાં બળજબરીપૂર્વક ધરપકડ કરવી જ પડે.

પાલડીના ફ્લેટમાંથી મળ્યો હતો સોના અને કિંમતી ઘડિયાળોનો ખજાનો

માર્ચ ૨૦૨૫ દરમિયાન ડીઆરઆઈ અને ગુજરાત એટીએસની સંયુક્ત ટીમે ગુપ્ત બાતમીના આધારે પાલડી મહાલક્ષ્મી સોસાયટી સ્થિત આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૧૦૪ માં બે દિવસ સુધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમિયાન ફ્લેટમાંથી ૮૮૨ સોનાના બિસ્કિટ, કિંમતી સોનાના દાગીના, બે ઘડિયાળના સોનાના બેલ્ટ, ૧૦ બ્રાન્ડેડ મોંઘી ઘડિયાળો, મોબાઈલ ફોન અને મોટી માત્રામાં ભારતીય ચલણી નોટો મળી કુલ ₹૧૦૯,૩૩,૮૩,૯૪૮ ની મત્તા જપ્ત કરવામાં આવી હતી. આ ફ્લેટ અરજદાર મેઘકુમાર અને તેના પિતા દ્વારા દરોડાના થોડા મહિના પહેલાં જ ભાડે રાખવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

હાઇકોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન: તપાસમાં સહયોગ આપતા હોય તો કસ્ટડી અનિવાર્ય નથી

કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે સર્વોચ્ચ અદાલત દ્વારા અગાઉ વચગાળાનું સંરક્ષણ અપાયા બાદથી અરજદારો તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. કસ્ટમ્સ એક્ટની કલમ ૧૦૮ હેઠળ આપવામાં આવેલા તમામ સમન્સનું પાલન કરીને તેઓ નિયમિત હાજર રહ્યા છે અને કોઈ માહિતી છુપાવી હોવાનું રેકોર્ડ પર નથી.

વધુમાં, કસ્ટમ્સ વિભાગના વકીલ કોર્ટ સમક્ષ એ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા કે આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ અત્યારે શા માટે અનિવાર્ય છે. હાઇકોર્ટે અવલોકન કર્યું કે કસ્ટમ્સ એક્ટની કલમ ૧૦૪ હેઠળ અધિકારીઓને ધરપકડની સત્તા ચોક્કસપણે મળેલી છે, પરંતુ તેનો ઉપયોગ મનસ્વી રીતે દરેક કેસમાં કરી શકાય નહીં. ધરપકડનો નિર્ણય કેસના તથ્યો અને તપાસના હેતુ પર નિર્ભર રહે છે. આરોપીઓ ભવિષ્યમાં પણ તપાસમાં સહયોગ આપવા તૈયાર હોવાથી તેમને કસ્ટડીમાં લીધા વગર પણ તપાસ સરળતાથી આગળ વધી શકે છે. આ અવલોકનો સાથે કોર્ટે તપાસમાં હાજર રહેવાની યોગ્ય શરતો સાથે આરોપીઓને ધરપકડ સામે રક્ષણ આપતા જામીન મંજૂર કર્યા છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder