નવી દિલ્હી

નકલી પનીરના વેચાણ પર FSSAI ની લાલ આંખ: હવે માત્ર શુદ્ધ દૂધમાંથી બનેલું ઉત્પાદન જ ‘પનીર’ કહેવાશે, નવો ડ્રાફ્ટ જારી

નકલી પનીરના વેચાણ પર FSSAI ની લાલ આંખ: હવે માત્ર શુદ્ધ દૂધમાંથી બનેલું ઉત્પાદન જ ‘પનીર’ કહેવાશે, નવો ડ્રાફ્ટ જારી

Paneer Rules

નવી દિલ્હી:

બજારમાં અને ખાસ કરીને હોટલ-રેસ્ટોરન્ટ્સમાં પનીરના નામે પીરસાતા કૃત્રિમ અને બિન-આરોગ્યપ્રદ ઉત્પાદનો સામે કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ કડક કાયદાકીય કદમ ઉઠાવ્યું છે. નવા નિયમોના અમલ બાદ હવે ભવિષ્યમાં માત્ર અને માત્ર કુદરતી દૂધમાંથી બનેલી પ્રોડક્ટ પર જ ‘પનીર’ લખી શકાશે. જે ઉત્પાદન શુદ્ધ દૂધમાંથી ન બન્યું હોય તેને પનીર તરીકે વેચવા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. FSSAI દ્વારા હાલના ખાદ્ય સુરક્ષા નિયમોમાં સુધારો કરવા માટે એક સત્તાવાર ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા લેવાયો નિર્ણય

હાલમાં બજારમાં ‘એનાલોગ પનીર’ (કૃત્રિમ પનીર) નું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે, જેને પનીરના નામે પ્રચારિત કરીને સામાન્ય ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવે છે. FSSAI ને મળેલા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અનુસાર, અસલી ડેરી પનીરની સરખામણીએ આ કૃત્રિમ પનીર ઘણું સસ્તું બનતું હોવાથી હોટલો, ઢાબાઓ અને રેસ્ટોરન્ટ્સમાં વાનગીઓમાં પનીર બતાવીને આ નકલી પનીર ધાબડી દેવામાં આવે છે. આ ગેરમાર્ગે દોરતી વેપારી પ્રથાથી સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નિયમનમાં નવો સુધારો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘ખાદ્ય સુરક્ષા અને ધોરણ (વેચાણ પર પ્રતિબંધ અને સીમાઓ) સંશોધન વિનિયમ, ૨૦૨૬’ હેઠળ એક નવો નિયમ ઉમેરવામાં આવી રહ્યો છે. આ જોગવાઈ હેઠળ બિન-ડેરી ઉત્પાદન ધરાવતા તમામ પ્રકારના એનાલોગ ખાદ્ય પદાર્થોના લેબલિંગ અને વેચાણને કડક રીતે અંકુશિત કરવામાં આવશે, જેથી કોઈપણ કંપની કે વિક્રેતા તેને પનીર કે ડેરી પ્રોડક્ટ તરીકે રજૂ કરી શકશે નહીં.

શું છે આ ‘એનાલોગ પનીર’? કેમ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક?

એનાલોગ પનીર એ સંપૂર્ણપણે પ્રયોગશાળા કે ફેક્ટરીમાં બનતું કૃત્રિમ ઉત્પાદન છે. તે દેખાવમાં, રચનામાં અને સ્વાદમાં મોટાભાગે અસલી પનીર જેવું જ લાગે છે, પરંતુ તેમાં પ્રાકૃતિક દૂધનો એક ટીપું પણ વપરાતો નથી.

  • તે બનાવવા માટે હલકી ગુણવત્તાનું વનસ્પતિ તેલ (જેમ કે પામ ઓઈલ), બટેટા કે મકાઈનો સ્ટાર્ચ, સોયા પ્રોટીન, ઇમલ્સિફાયર્સ અને ચોક્કસ પ્રિઝર્વેટિવ્સ તથા રસાયણોનો ઉપયોગ થાય છે.
  • પામ ઓઈલ અને કેમિકલ્સના વધુ પડતા સેવનથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવું, પાચનની સમસ્યાઓ અને હૃદયરોગનું જોખમ વધી જાય છે.

સરકારના આ નવા ડ્રાફ્ટ નિયમો કડકાઈથી લાગુ થતાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને સામાન્ય પ્રજાને પનીરના નામે પીરસાતા કૃત્રિમ કેમિકલયુક્ત ખોરાકથી મુક્તિ મળશે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder