મુંબઈ

“મેરી એક ટાંગ નકલી હૈ…” ડાયલોગથી અમર થયેલા અભિનેતા મુશ્તાક ખાનનું 56 વર્ષની વયે કેન્સરથી નિધન!

“મેરી એક ટાંગ નકલી હૈ…” ડાયલોગથી અમર થયેલા અભિનેતા મુશ્તાક ખાનનું 56 વર્ષની વયે કેન્સરથી નિધન!

Mushtaq Khan

મુંબઈ

Mushtaq Khan Actor Passed Away : ભારતીય સિનેમા જગતમાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડની અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાના સહાયક અને કોમિક પાત્રોથી દર્શકોને પેટ પકડીને હસાવનારા લોકપ્રિય અને વર્સેટાઇલ અભિનેતા મુશ્તાક ખાનનું મુંબઈ ખાતે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા. માત્ર ૫૬ વર્ષની વયે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી દેતાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગ, સાથી કલાકારો અને તેમના લાખો ચાહકોમાં ઘેરા શોકની કાળી ડિબાંગ લાગણી ફેલાઈ ગઈ છે.

ફેફસાંના કેન્સર સામે જંગ હાર્યા: નાણાવટી હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ

પ્રાપ્ત વિગતો અનુસાર, મુશ્તાક ખાન છેલ્લા આશરે ૧૫ દિવસથી મુંબઈની જાણીતી નાણાવટી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતા. તેમના બિઝનેસ પાર્ટનર શિવમે આ દુઃખદ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજે ૭ વાગ્યાના સુમારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ફેફસાંના કેન્સર (લંગ કેન્સર) ની ગંભીર બીમારીથી પીડાતા હતા. પાંચ વર્ષ અગાઉ તેમને આ કેન્સરનું નિદાન થયું હતું અને યોગ્ય સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા, પરંતુ તાજેતરમાં રોગ ફરીથી વકરતાં તેમની તબિયત ખૂબ ઝડપથી લથડી હતી. તેમની અંતિમવિધિ પરિવારજનો અને સાથી કલાકારોની હાજરીમાં કરવામાં આવશે.

“કંટ્રોલ ઉદય, કંટ્રોલ! મેરી એક ટાંગ નકલી હૈ…” થી દર્શકોના દિલ જીત્યા

મુશ્તાક ખાને પોતાની લાંબી ફિલ્મી સફરમાં સહાયક અભિનેતા તરીકે એક આગવી ઓળખ ઊભી કરી હતી. ખાસ કરીને અનીસ બઝમી દિગ્દર્શિત સુપરહિટ કોમેડી ફિલ્મ ‘વેલકમ’ (Welcome) માં તેમનો આઈકોનિક સંવાદ—“કંટ્રોલ ઉદય, કંટ્રોલ! મેરી એક ટાંગ નકલી હૈ, મૈં હોકી કા બહુત બડા ખિલાડી થા…” આજે પણ મીમ્સ અને સોશિયલ મીડિયા પર એટલો જ લોકપ્રિય છે. તેમની સંવાદ બોલવાની વિશિષ્ટ છટા અને ચહેરાના હાવભાવ દર્શકોને ખડખડાટ હસાવવા માટે પૂરતા હતા.

૯૦ના દાયકાથી લઈને આધુનિક બ્લોકબસ્ટર ફિલ્મો સુધીનો સફર

તેમણે ૯૦ના દાયકાની સદાબહાર ફિલ્મો જેવી કે ‘કાલિયા’, ‘કબ્જા’, ‘આશિકી’, ‘દિલ હૈ કિ માનતા નહીં’, ‘સડક’ તેમજ સલમાન ખાનની ‘વોન્ટેડ’ માં નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી. તેઓ તાજેતરના સમયમાં પણ અભિનય ક્ષેત્રે સક્રિય હતા અને તેમણે ‘ગદર ૨’, ‘બધાઈ હો’ તેમજ ‘સ્ત્રી ૨’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.

વર્ષ ૨૦૨૪માં અપહરણની ઘટનાથી ચર્ચામાં આવ્યા હતા

અંગત જીવન અને વિવાદોથી દૂર રહેતા મુશ્તાક ખાન વર્ષ ૨૦૨૪માં ત્યારે અચાનક રાષ્ટ્રીય મીડિયાની હેડલાઇન્સમાં આવ્યા હતા, જ્યારે તેમનું અપહરણ થયું હોવાના ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. એક ઈવેન્ટમાં પરફોર્મ કરવાના બહાને બોલાવીને દિલ્હી-મેરઠ હાઈવે પરથી અજાણ્યા શખ્સોએ તેમનું અપહરણ કરી રૂ. ૧ કરોડની ખંડણી માંગી હતી. જોકે, તેમણે અત્યંત સાહસ અને સમયસૂચકતા દાખવીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી પોતાનો જીવ બચાવી લીધો હતો. આજે એક ઉત્કૃષ્ટ હાસ્ય કલાકારની અકાળે વિદાયથી બોલિવૂડે એક સહજ અને પ્રતિભાશાળી કલાકાર ગુમાવી દીધો છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder