વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી ‘મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0’ અભિયાનને પાયાના સ્તરે વધુ વેગ આપવા માટે ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને દીર્ઘદ્રષ્ટિવાળો નિર્ણય લીધો છે. રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રમાં હવે મહિલા સભ્યોની વિશેષ ‘આંગણવાડી મેનેજમેન્ટ કમિટી’ (AMC) ની રચના કરવામાં આવશે, જેનાથી ગ્રામીણ સ્તરે પોષણ, આરોગ્ય અને બાળ શિક્ષણની સેવાઓમાં સીધી ક્રાંતિ આવશે.

- સંપૂર્ણપણે મહિલાઓની સમિતિ: આ સમિતિમાં સ્થાનિક સ્તરેથી જ મહિલાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. જેમાં સંબંધિત મહિલા સુપરવાઈઝર (અધ્યક્ષ), આંગણવાડી કાર્યકર (સભ્ય-સચિવ), એક આશા કાર્યકર, ૩ થી ૬ વર્ષના બાળકોની બે માતાઓ, સ્થાનિક સ્વસહાય જૂથ કે NGO ની મહિલા સભ્ય અને નજીકની સરકારી પ્રાથમિક શાળાની એક મહિલા શિક્ષિકાનો સમાવેશ થશે.
- નિયમિત બેઠકો અને સમીક્ષા: આ સમિતિ દર બે મહિને નિયમિત બેઠક યોજશે. જેમાં આંગણવાડી ભવનની સ્વચ્છતા, પીવાનું પાણી, શૌચાલય, રસોડું, ફર્નિચર અને પાયાની સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે.
- પોષણ અને આરોગ્ય પર વિશેષ દેખરેખ: ૦ થી ૬ વર્ષના બાળકોમાં કુપોષણ અને વિકાસાત્મક વિલંબને ઘટાડવા માટે પૂરક પોષણ આહારના વિતરણ, ભોજનની ગુણવત્તા અને તાજગીની નિયમિત દેખરેખ રખાશે.
- પ્રારંભિક બાળ શિક્ષણ (ECCE): આંગણવાડીઓ માત્ર પોષણ કેન્દ્ર ન રહે, પરંતુ ‘આધારશિલા’ અંતર્ગત બાળકોના પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ કેન્દ્ર બને તે દિશામાં કામ કરશે.
સમુદાયની ભાગીદારીથી મજબૂત બનશે વ્યવસ્થા: સરકારના આ અભિગમથી સરકાર અને સ્થાનિક સમુદાય વચ્ચે એક મજબૂત કડી રચાશે. માતાઓ અને સ્થાનિક મહિલાઓની સીધી સંડોવણીથી આંગણવાડી સેવાઓમાં પારદર્શિતા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ વધુ મજબૂત થશે, જેથી દરેક પાત્ર બાળક અને માતૃશક્તિ સુધી તમામ સરકારી યોજનાઓનો પૂરતો લાભ પહોંચી શકશે.