


મોરબી: હોસ્પિટલ પહોંચતા પહેલા જ દર્દીને જીવનરક્ષક સારવાર મળી રહે તો ગંભીર સ્થિતિમાં પણ જીવ બચાવવાની શક્યતા વધી જાય છે. મોરબીમાં ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે આવી જ એક કાબિલેદાદ કામગીરી કરી ‘હોસ્પિટલ પહોંચતા પહેલાંની હોસ્પિટલ’ તરીકે પોતાની ફરજ નિભાવી હતી.સવારે 10:19 કલાકે ઇન્દિરાનગર, મહેન્દ્રનગર વિસ્તારમાંથી મધુબેન ભરતભાઈને શ્વાસ લેવામાં ભારે તકલીફ હોવાનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. સ્થળ પર પહોંચેલી ૧૦૮ની ટીમે તપાસ કરતાં તેમનું બ્લડ પ્રેશર 91/50 અને RBS 220 હોવાનું સામે આવ્યું હતું. વૃદ્ધ મહિલાની સ્થિતિ ગંભીર જણાતા સમય ગુમાવ્યા વિના તેમને ઓક્સિજન સપોર્ટ સાથે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. રસ્તામાં જ શરૂ થઈ ‘પ્રી-હોસ્પિટલ કેર’ ૧૦૮ના EMT પ્રવીણભાઈ મેરે ગંભીર પરિસ્થિતિ માં પણ સ્વસ્થતા જાળવી રાખી ERCP ડૉ. પરમાર સાથે ડિજિટલ માધ્યમથી સંપર્ક કરી તાત્કાલિક મેડિકલ માર્ગદર્શન મેળવ્યું હતું. એમ્બ્યુલન્સ દોડી રહી હતી ત્યારે જ મેડિકલ પ્રોટોકોલ મુજબ ઓક્સિજન સપોર્ટ, NPA અને NS 500 ml સહિતની સારવાર દ્વારા દર્દીના વાઈટલ્સને સ્થિર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કામગીરીનો સૌથી મહત્વનો પાસો એ હતો કે સારવાર માટે હોસ્પિટલના દરવાજા સુધી પહોંચવાની રાહ જોવામાં આવી નહોતી. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ‘ગોલ્ડન મિનિટ્સ’નો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાયલોટની કુશળ ડ્રાઇવિંગે પણ ભજવી મહત્વની ભૂમિકા બીજી તરફ ૧૦૮ના પાયલોટ ક્રિષ્નસિંહે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સને સલામત અને ઝડપી ગતિએ આગળ ધપાવી હતી. ઇમરજન્સી વાહન ચલાવવામાં માત્ર ઝડપ નહીં પરંતુ દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંતુલિત ડ્રાઇવિંગ પણ એટલું જ મહત્વનું હોય છે. આ કામગીરીમાં બંને બાબતોનું યોગ્ય સંકલન જોવા મળ્યું હતું અને દર્દીને મોરબી સિવિલ હોસ્પિટલમાં સમયસર પહોંચાડવામાં આવ્યા હતા. તબીબોએ પણ ૧૦૮ની કામગીરીને બિરદાવી મોરબી સિવિલ હોસ્પિટલના ડૉ. મિલન સર દ્વારા ૧૦૮ની ટીમની પ્રી-હોસ્પિટલ કેર અને સમયસૂચકતાની પ્રશંસા કરવામાં આવી હતી. ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ, માર્ગમાં જરૂરી સારવાર અને હોસ્પિટલ સુધી ઝડપી પહોંચાડવાની કામગીરી દર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હોવાનું તબીબી ટીમે જણાવ્યું હતું. ૧૦૮ માત્ર એમ્બ્યુલન્સ નથી, જીવન બચાવતી પ્રથમ કડી છે

આ ઘટના ફરી એક વખત સાબિત કરે છે કે ૧૦૮ સેવા માત્ર દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતું વાહન નથી. ગંભીર દર્દી માટે એમ્બ્યુલન્સમાં મળતી પ્રી-હોસ્પિટલ કેર ઘણી વખત સારવારની પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ કડી બની શકે છે. આવી પરિસ્થિતિમાં EMTની તબીબી કુશળતા, ડૉક્ટર સાથેનું રિયલ-ટાઇમ સંકલન, પાયલોટની ડ્રાઇવિંગ કુશળતા અને સમય સામેની દોડ—આ ચારેય બાબતો સાથે મળીને જીવન બચાવવાની કામગીરીને સફળ બનાવે છે. મધુબેનના પરિવારજનો દ્વારા ૧૦૮ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરિવારજનોની લાગણી જાણે એક જ વાક્યમાં સમાઈ ગઈ—“અમારા માટે ૧૦૮ના જવાનો કોઈ સુપરહીરોથી ઓછા નથી.”
વરદીમાં ફરજ બજાવતા આ જવાનો માટે આ માત્ર એક ઇમરજન્સી કોલ હતો, પરંતુ એક પરિવાર માટે તે જીવન અને મૃત્યુ વચ્ચેની સૌથી મહત્વની સફર હતી.
