મોરબી

અરવલ્લીમાં કરોડોનું ટ્રેક્ટર કૌભાંડ ઉકેલાયું ખેડૂતોને ઠગતી ટોળકી સામે પોલીસની મોટી સફળતા

અરવલ્લીમાં કરોડોનું ટ્રેક્ટર કૌભાંડ ઉકેલાયું ખેડૂતોને ઠગતી ટોળકી સામે પોલીસની મોટી સફળતા

અરવલ્લી જિલ્લામાં ભાડા કરારના નામે ખેડૂતોના ટ્રેક્ટર અને ખેતીના સાધનો પડાવી કરોડોની છેતરપિંડી આચરતી શાતીર ટોળકીનો એલસીબી, માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત ટીમે પર્દાફાશ કરીને કાયદાના અમલમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે આ કેસમાં ૬ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ૨૦ ટ્રેક્ટર, ૧ જેસીબી અને ૧૦ ટ્રોલી સહિત ₹૪ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ ખેડૂતોને વધુ ભાડું આપવાની લાલચ આપી ટ્રેક્ટર ભાડે લેતા અને ત્યારબાદ તે ટ્રેક્ટરોને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સસ્તા ભાવે વેચી દેતા હતા. આ રીતે ખેડૂતોની આજીવિકાનું મુખ્ય સાધન જ છીનવી લેવામાં આવતું હતું, જ્યારે ઘણા ખેડૂતોને ટ્રેક્ટરની બેંક લોનના હપ્તા પણ ભરવા પડતા હતા. અગાઉ માલપુર બાદ મેઘરજના અનેક ખેડૂતો પણ આ કૌભાંડનો ભોગ બન્યાની ફરિયાદો સામે આવી હતી.આ સમગ્ર ઘટનામાં અરવલ્લી એલસીબી અને સ્થાનિક પોલીસની ઝડપી,

સુનિયોજિત અને સંકલિત કાર્યવાહી પ્રશંસનીય રહી છે. ફરિયાદોના આધારે ટેક્નિકલ તપાસ, માહિતી એકત્રિત કરવી, આરોપીઓ સુધી પહોંચવું અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ પરત મેળવવો એ પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. આવી કડક કાર્યવાહીથી ખેડૂતોમાં વિશ્વાસ વધશે અને છેતરપિંડી કરનાર તત્વોને કડક સંદેશ મળશે કે કાયદાથી બચવું શક્ય નથી. હવે રિમાન્ડ દરમિયાન પોલીસ અન્ય સંડોવાયેલા શખ્સો, ખરીદદારો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder