
ગુજરાત ગુંજ: ગુજરાત માં અવિરત વરસાદ વચ્ચે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં માત્ર રાહત અને બચાવ દળો જ નહીં, પરંતુ ૧૦૮ ઈમરજન્સી સેવા પણ સાચા અર્થમાં જનજીવનની રક્ષક બની છે. ધોળકા તાલુકામાં પૂરના પાણી વચ્ચે ૧૦૮ની ટીમે NDRF, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને બે સગર્ભા મહિલાઓ તેમજ એક વૃદ્ધ મહિલાનું સફળ રેસ્ક્યૂ કરી સમયસર સારવાર અપાવી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.ધોળકાના અનેક વિસ્તારો માં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં સામાન્ય એમ્બ્યુલન્સ પહોંચવી અશક્ય બની હતી. ત્યારે ૧૦૮ના ઈમરજન્સી કર્મચારીઓએ

ટ્રેક્ટર અને સ્પાઈન બોર્ડનો ઉપયોગ કરી દર્દીઓ સુધી પહોંચવાનો સાહસિક નિર્ણય લીધો. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવી, જેના કારણે માતા અને બાળક બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ.બીજી તરફ કલિકુંડ વિસ્તાર માં ૭૯ વર્ષીય વૃદ્ધ મહિલાને ચક્કર આવતાં તેઓ પાણી ભરાયેલા વિસ્તારમાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં ૧૦૮ની ટીમ NDRF અને ફાયર બ્રિગેડ સાથે તાત્કાલિક સ્થળે પહોંચી. કમર સુધીના પાણીમાં સ્પાઈન બોર્ડ પર મહિલાને ઊંચકી સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સમગ્ર બચાવ કામગીરી માં ટીમે ધીરજ, કુશળતા અને ઝડપી નિર્ણયશક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે

કે ૧૦૮ ઈમરજન્સી સેવા માત્ર એમ્બ્યુ લન્સ સેવા નથી, પરંતુ આપત્તિના સમયમાં જીવન બચાવતી સશક્ત માનવસેવા છે. જોખમની પરવા કર્યા વગર ફરજ બજાવતા પાયલોટ, ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન અને સમગ્ર ટીમે માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.વરસાદી આપત્તિ દરમિયાન રાજ્યભરમાં તંત્ર, NDRF, ફાયર બ્રિગેડ અને ૧૦૮ જેવી સેવાઓ વચ્ચેનું સુમેળ અનેક પરિવારો માટે આશાનું કિરણ બની રહ્યું છે. આવા કર્મયોગીઓની નિષ્ઠા અને સમર્પણ સમાજ માટે પ્રેરણારૂપ છે અને તેમની કામગીરીને જેટલી બિરદાવીએ તેટલી ઓછી છે.
