

રિપોર્ટર: એશા પારેખ, મૂળી, તા. 16 જુલાઈ: મૂળી તાલુકાના સરા ગામના આંગણવાડી કેન્દ્રોમાં વાનગી હરીફાઈ-2026 અંતર્ગત 15 જુલાઈના રોજ પોષણ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર વાનગીઓની હરીફાઈ પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ ગ્રામ્ય પરિવારોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અસરકારક પ્રયાસ બની રહ્યો હતો. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ સી.ડી.પી.ઓ. પ્રીતિબેન રાઠોડ અને સુપરવાઈઝર હર્ષાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રેશન (THR) અને મિલેટ્સમાંથી તૈયાર કરાયેલી શીરો, સુખડી, ઢોકળા, ઉપમા સહિત અનેક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનું જીવંત નિદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લાભાર્થી માતાઓ અને કિશોરીઓને THRનો યોગ્ય ઉપયોગ, તેના પોષણ મૂલ્ય તથા આરોગ્ય માટેના લાભો વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ તૈયાર કરાયેલી વાનગીઓનો સ્વાદ ચખાડીને તેને ઘરેલુ સ્તરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય તેની ઉપયોગી માહિતી પણ આપવામાં આવી હતી.આંગણવાડી બહેનોની સર્જનાત્મકતા, સમર્પણ અને સેવાભાવને કારણે સમગ્ર કાર્યક્રમ જીવંત અને પ્રેરણાદાયી બન્યો હતો. પોષણયુક્ત આહાર અંગે લોકોમાં જાગૃતિ વધારવા અને બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓના આરોગ્યમાં સુધારો લાવવા માટે આ પ્રકારના કાર્યક્રમો ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યા છે.કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આંગણવાડી બહેનોની આ કામગીરી એ દર્શાવે છે કે


“”સ્વસ્થ બાળક, સ્વસ્થ માતા અને સ્વસ્થ પરિવાર””ના સંકલ્પને સાકાર કરવામાં તેઓ સમાજના સાચા પોષણ દૂત તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
