મોરબી

ફરજ, ફિતરત અને ફરજનિષ્ઠાનું ગૌરવપૂર્ણ પ્રકરણ પૂર્ણ: હળવદના ચાડધ્રાના વતની PI જયરાજસિંહ ગઢવીને સુરતમાં ભવ્ય વિદાય, હવે જીવન જનસેવાને સમર્પિત

ફરજ, ફિતરત અને ફરજનિષ્ઠાનું ગૌરવપૂર્ણ પ્રકરણ પૂર્ણ: હળવદના ચાડધ્રાના વતની PI જયરાજસિંહ ગઢવીને સુરતમાં ભવ્ય વિદાય, હવે જીવન જનસેવાને સમર્પિત

હળવદ તાલુકાના ચાડધ્રા ગામના વતની પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજસિંહ ગઢવીએ પોલીસ વિભાગમાં ચાર દાયકાની નિષ્કલંક, પ્રામાણિક અને લોકકેન્દ્રિત સેવા પૂર્ણ કરીને નિવૃત્તિ મેળવી છે. સુરત ખાતે તેમના સન્માનમાં ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં ડાયરાના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે લાગણીસભર વિદાય આપવામાં આવી હતી.આ સમારોહમાં સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, હળવદ તાલુકાના માલધારી સમાજના અગ્રણીઓ, યુવાનો તથા વિવિધ સમાજોના મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયરાજસિંહ ગઢવીએ આશરે 40 વર્ષ પહેલાં એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાની મહેનત, શિસ્ત, પ્રામાણિકતા અને કાર્યકુશળતાના બળે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર સુધી પહોંચ્યા. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અનેક સંવેદનશીલ ગુનાઓના ભેદ ઉકેલવામાં તેમની તપાસની આગવી શૈલી અને માનવતાભર્યો અભિગમ પોલીસ વિભાગમાં પ્રશંસનીય રહ્યો હતો. તેમની સફર હજારો યુવા પોલીસકર્મીઓ માટે પ્રેરણારૂપ બની છે.નિવૃત્તિ પ્રસંગે જયરાજસિંહ ગઢવીએ જણાવ્યું કે, “પોલીસની નોકરીમાંથી નિવૃત્તિ લીધી છે,

પરંતુ સમાજસેવામાંથી નહીં. હવે મારું સમગ્ર જીવન હળવદ તાલુકાની જનતાની સેવા માટે સમર્પિત રહેશે. જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં તન-મન-ધનથી સેવા આપવા માટે હંમેશા તૈયાર રહીશ.પોલીસની ફરજ માત્ર કાયદાનું પાલન કરાવવાની નથી, પરંતુ સમાજમાં વિશ્વાસ, સુરક્ષા અને ન્યાયની ભાવના મજબૂત કરવાની પણ છે. એક સારો પોલીસ અધિકારી ગુનાઓ ઉકેલવાની સાથે સામાન્ય નાગરિકની પીડા સમજી તેને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે. જયરાજસિંહ ગઢવીએ પોતાની ચાર દાયકાની કારકિર્દીમાં આ મૂલ્યોને જીવંત રાખ્યા હતા. તેમની શિસ્ત, નિષ્પક્ષતા, સંવેદનશીલતા અને લોકહિતનો અભિગમ તેમને માત્ર સફળ પોલીસ અધિકારી જ નહીં, પરંતુ સમાજના વિશ્વાસપાત્ર વ્યક્તિત્વ તરીકે પણ ઓળખ અપાવતો રહ્યો. હળવદ તાલુકાના માલધારી સમાજે તેમજ વિવિધ સમાજના આગેવાનોએ તેમની સફળ અને નિષ્કલંક સેવાકાળ બદલ ગર્વ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ: સંજયભાઈ નંદેસરી, હળવદ.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder