મોરબી

કોંક્રિટ રસ્તા પર ઢોળાતાં અકસ્માતનો ભય; નિયમોના ભંગ સામે તંત્રની ચૂપકીદીથી લોકોમાં રોષ

કોંક્રિટ રસ્તા પર ઢોળાતાં અકસ્માતનો ભય; નિયમોના ભંગ સામે તંત્રની ચૂપકીદીથી લોકોમાં રોષ

હળવદ, રિપોર્ટ: સંજય નંદેસરીયા : હળવદ તાલુકાના ભલગામડા રોડ પર કોંક્રિટ ભરેલા ડમ્પરો દ્વારા નિયમોના ખુલ્લેઆમ ભંગની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક ડમ્પરોમાં કોંક્રિટ ભર્યા બાદ તેને તાડપત્રીથી ઢાંકવામાં આવતી નથી, જેના કારણે દોડતા વાહનોમાંથી કોંક્રિટ સતત રસ્તા પર ઢોળાતી રહે છે. પરિણામે માર્ગ પર જોખમી સ્થિતિ સર્જાઈ રહી છે અને વાહનચાલકો, ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે રસ્તા પર પડતી કોંક્રિટને કારણે વાહનો લપસી જવાની શક્યતા વધી ગઈ છે. વરસાદી મોસમમાં આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે. તેમ છતાં નિયમોનો ભંગ કરનારા ડમ્પરો સામે હજુ સુધી અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.આ સમગ્ર મામલો માત્ર ટ્રાફિક નિયમોના ભંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ જાહેર સુરક્ષાનો પણ ગંભીર મુદ્દો છે. ભારે વાહનોમાં સામગ્રી લઈ જતી વખતે તેને યોગ્ય રીતે ઢાંકવી અને રસ્તા પર સામગ્રી ન પડે તેની જવાબદારી વાહનચાલક અને માલિક બંનેની હોય છે. જો આ નિયમોનું પાલન ન થાય તો અકસ્માત ઉપરાંત સરકારી માર્ગોને પણ નુકસાન પહોંચી શકે છે.


સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક ડમ્પરચાલકો બેફામ રીતે વાહનો દોડાવી રહ્યા છે અને તેમને જાણે કાર્યવાહીનો કોઈ ભય જ નથી. જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે સૌની નજર જવાબદાર તંત્ર પર છે. લોકોની માંગ છે કે નિયમોનો ભંગ કરનારા ડમ્પરો સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે, નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવે અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે, જેથી નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં ન મુકાય.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder