


મોરબી, ગત તા. ૧૫ જૂન
શિક્ષણ ક્ષેત્રે સરકારી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ વચ્ચેના સહયોગનું વધુ એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રોજેક્ટ “લાઈફ” દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી સમથેરવા પ્રાથમિક શાળા માટે મહત્વપૂર્ણ સહયોગની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી સંચાલિત આ શાળાના કુલ ૧૨ નવા વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ અને સેનિટેશન સહિતની સુવિધાઓ સંસ્થાના ૧૦૦ ટકા અનુદાનથી નિર્માણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. ૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે.આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી દ્વારા તા. ૧૧/૦૬/૨૦૨૬ના રોજ ટ્રસ્ટને પત્ર પાઠવી સમજૂતી કરાર (MOU) કરવા માટે જાણ કરવામાં આવી હતી. માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મોરબીના માર્ગદર્શન અને પ્રેરણાથી આજે તા. ૧૫/૦૬/૨૦૨૬ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી અને સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વચ્ચે સત્તાવાર MOU કરવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સમથેરવા ગામના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળશે. ખાસ કરીને કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જ્યારે સેનિટેશનની સુવિધાઓ વિદ્યાર્થીઓના આરોગ્ય અને સ્વચ્છતા માટે ઉપયોગી બનશે.
ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાસભર શિક્ષણ માટે સરકાર અને સેવાભાવી સંસ્થાઓ વચ્ચેનો આ પ્રકારનો સહયોગ ભવિષ્યમાં અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. શિક્ષણના માળખાકીય વિકાસમાં સમાજના વિવિધ વર્ગો આગળ આવે તો “સબળ શિક્ષણ, સશક્ત ભવિષ્ય”નું સ્વપ્ન વધુ ઝડપથી સાકાર થઈ શકે છે.
રિપોર્ટ: સંજય નંદેસરિયા, હળવદ