મોરબી

માનવતાનું મિસાલ બન્યું મોરબી શી-ટીમ: અસહાય વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે વૃદ્ધાશ્રમ પહોંચાડી આપી નવી આશા

માનવતાનું મિસાલ બન્યું મોરબી શી-ટીમ: અસહાય વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે વૃદ્ધાશ્રમ પહોંચાડી આપી નવી આશા

મોરબી મહિલા પોલીસની શી-ટીમે ફરી એકવાર સંવેદનશીલતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં એક અસહાય વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી પ્રશંસનીય કામગીરી કરી છે.પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક શ્રી એમ.એન. પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.બી. દલવાડીના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ.વી. ઘેલાના નેતૃત્વમાં શી-ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી કે જેતપર ગામ નજીક એક વૃદ્ધ મહિલા નિરાધાર હાલતમાં મળી આવી છે.
માહિતી મળતાં જ શી-ટીમના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા અને મહિલાની પૂછપરછ કરી. મહિલાએ પોતાનું નામ ગીતાબેન હકાભાઈ ચૌહાણ (ઉંમર 60 વર્ષ) હોવાનું જણાવ્યું હતું. તેઓ ભંગાર વીણી પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું અને જેતપર ગામમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.વધુ પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે વધતી ઉંમરના કારણે હવે કામ કરવું મુશ્કેલ બન્યું છે અને પરિવાર તરફથી પણ પૂરતો સહારો મળતો નથી. પરિણામે તેમણે પોતાની ઈચ્છા મુજબ વૃદ્ધાશ્રમમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
મહિલાની પરિસ્થિતિને સમજતાં શી-ટીમના કર્મચારીઓ પારૂલબેન બી. વાઘેલા, રમીલાબેન એન. ચાવડા અને મહાવીરભાઈ એ. અગ્રાવતે તાત્કાલિક માનવતાભર્યું પગલું ભર્યું અને મહિલાને મોરબીના શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમમાં સહીસલામત રીતે પહોંચાડી તેમની રહેવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી.
આ કામગીરી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી સીમિત નથી, પરંતુ સમાજના વંચિત અને અસહાય વર્ગ પ્રત્યે પોલીસની સંવેદના અને સામાજિક જવાબદારીનું પણ જીવંત ઉદાહરણ છે. મોરબી શી-ટીમની આ માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહના મળી રહી છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder