મોરબી

મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની માનવતાની મહેક : દાતાઓની દિલેરીથી જરૂરિયાતમંદ દિકરીઓના આંગણે ખુશીઓના દીવા પ્રગટ્યા

મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની માનવતાની મહેક : દાતાઓની દિલેરીથી જરૂરિયાતમંદ દિકરીઓના આંગણે ખુશીઓના દીવા પ્રગટ્યા

હળવદ : સમાજમાં માનવતા હજુ જીવંત છે તેનો હૃદયસ્પર્શી દાખલો ત્યારે જોવા મળ્યો, જ્યારે મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને દાતાઓની દિલેરીથી બે જરૂરિયાતમંદ દિકરીઓના જીવનમાં ખુશીઓનો સૂરજ ઉગ્યો. હળવદ ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગે ટ્રસ્ટના મદદ ગ્રુપ દ્વારા કરિયાવર અને જરૂરી સહાય પૂરી પાડીને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, મુસ્લિમ સમાજની એક દિકરી પિતાની છત્રછાયા વિના જીવન જીવતી હતી, જ્યારે બીજી દિકરીનું પરિવાર અત્યંત દયનીય પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યું છે.

પરિવારના પિતા વિકલાંગ, માતા મૂંગી અને ભાઈ મંદબુદ્ધિ હોવા ઉપરાંત પોતાનું રહેઠાણ ન હોવાથી ઝૂંપડપટ્ટીમાં છાપરાં નીચે જીવન ગુજારવું પડતું હતું. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે દિકરીના લગ્નને લઈને પરિવાર ભારે ચિંતામાં હતો. આ કપરા સમયમાં વાંકાનેર સ્થિત મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે પોતાના મદદ ગ્રુપ મારફતે દાતાઓ સુધી સહાયની અપીલ પહોંચાડી હતી. દાતાઓએ પણ ઉદાર હાથે સહયોગ આપતાં તા. 15-05-2026ના રોજ હળવદ ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગે બંને દિકરીઓને જરૂરી કરિયાવર અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સહાય મળતા દિકરીઓ અને તેમના પરિવારજનોના ચહેરા પર ખુશીના અજવાસ જોવા મળ્યા હતા.માત્ર સામગ્રી સહાય પૂરતી સીમિત ન રહી, પરંતુ લાગણી, સન્માન અને સમાજના સાથનો અહેસાસ કરાવતી આ મદદે પરિવારોમાં નવી આશા જગાવી છે. મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ શિક્ષણ અને ચેરીટી સિવાય પશુ-પક્ષી સેવા, માનવ સેવા, સમૂહ લગ્નોત્સવ તેમજ દર્દીઓની સહાય જેવા અનેક સેવાકીય કાર્યોમાં સતત સક્રિય રહી માનવતાનું ઉત્તમ પ્રતિબિંબ પૂરું પાડી રહી છે.
આ સમગ્ર સેવા કાર્ય એ સાબિત કરે છે કે જ્યારે સંસ્થાની નિષ્ઠા, દાતાઓની દિલેરી અને સમાજની એકતા જોડાય ત્યારે જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓના દીવા પ્રગટાવી શકાય છે. આ પ્રયાસ માત્ર સહાય નહીં, પરંતુ “સમાજ તમારી સાથે છે” એવો વિશ્વાસ જગાવતો માનવતાનો ઉત્સવ બની રહ્યો છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder