રાષ્ટ્રીય

ITR ફોર્મમાં મોટા ફેરફારો: એસેસમેન્ટ યર 2026-27 માટે નવા નિયમો જાહેર, જાણો તમારા પર શું થશે અસર

ITR ફોર્મમાં મોટા ફેરફારો: એસેસમેન્ટ યર 2026-27 માટે નવા નિયમો જાહેર, જાણો તમારા પર શું થશે અસર

ગાંધીનગર:

નાણાકીય વર્ષ (Financial Year) 2025-26ની કમાણી માટે આવકવેરા વિભાગ દ્વારા એસેસમેન્ટ યર (Assessment Year) 2026-27ના નવા ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મ જાહેર કરી દેવામાં આવ્યા છે. 31 જુલાઈ 2026 સુધી રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓ માટે આ ફેરફારો સમજવા અત્યંત જરૂરી છે. આ વખતે ITR-1 થી લઈને ITR-7 સુધીના તમામ ફોર્મમાં વહીવટી સરળતા લાવવા માટે કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.

સંપર્ક માટે હવે આપવા પડશે બે સરનામાં

નવા ફોર્મમાં સૌથી મોટો ફેરફાર સંપર્ક માહિતીમાં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કરદાતાએ માત્ર એક જ સરનામું, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી આપવાનું રહેતું હતું. હવે નવા ફોર્મમાં ‘પ્રાઈમરી’ (Primary) ની સાથે ‘સેકન્ડરી’ (Secondary) સરનામું, મોબાઈલ નંબર અને ઈમેઈલ આપવાનો વિકલ્પ પણ ઉમેરવામાં આવ્યો છે. જેથી કરદાતા સાથેનો સંપર્ક વધુ સરળ અને સુદ્રઢ બની શકે.

પ્રતિનિધિ કરદાતાઓ માટે રાહત

જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ વતી ટેક્સ રિટર્ન ભરે છે (Representative Assessee), તો તેમના માટે પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. અગાઉ તેઓએ નામ, સરનામું, પાન (PAN) જેવી ઘણી વિગતો આપવી પડતી હતી, પરંતુ હવે માત્ર ત્રણ જ વિગતો: નામ, ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. આનાથી ડેટા એન્ટ્રીનું ભારણ ઘટશે.

ડ્યુઅલ રિપોર્ટિંગની વ્યવસ્થા નાબૂદ

નવા ITR ફોર્મમાં ડ્યુઅલ રિપોર્ટિંગ (Dual Reporting) ની પ્રક્રિયા દૂર કરવામાં આવી છે. અગાઉ ટેક્સ સ્લેબમાં ફેરફારને કારણે કેપિટલ ગેઈનની વિગતો ટ્રાન્સફરની તારીખ મુજબ અલગ-અલગ આપવી પડતી હતી. જોકે, AY 2026-27 દરમિયાન ટેક્સ સ્લેબમાં કોઈ મધ્યવર્તી ફેરફાર ન હોવાથી હવે રિપોર્ટિંગનું માળખું ઘણું સરળ બની ગયું છે.

કરદાતાઓએ શું ધ્યાન રાખવું?

આવકવેરા વિભાગનો હેતુ ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાનો છે. કરદાતાઓએ હવે જૂના નિયમો મુજબ જ ટેક્સની ગણતરી કરવાની રહેશે, પરંતુ ફોર્મ ભરતી વખતે નવી કોલમ અને સંપર્ક વિગતોની ચોકસાઈ રાખવી અનિવાર્ય છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder