મોરબી:
લોકોના જીવ સાથે રમત રમતા અને ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરો સામે મોરબી પોલીસ અધીક્ષકની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ કડક કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પરથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.
ઘટનાની વિગત:
મોરબી SOG સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે રાતાવિરડા રોડ પર આવેલી રોસા સિરામિક સામે એક શખ્સ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ખોલીને બેઠો છે અને ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ આપી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે PHC ઢુવાના તબીબી અધિકારીને સાથે રાખી પોલીસે દરોડો પાડ્યો હતો.
આરોપીની ઓળખ:
દરોડા દરમિયાન સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા (રહે. હાલ રાતાવિરડા, મૂળ રહે. પશ્ચિમ ચંપારણ, બિહાર) નામનો શખ્સ રંગેહાથ પકડાઈ ગયો હતો. તપાસ દરમિયાન તેની પાસે કોઈ માન્ય ડિગ્રી મળી આવી નહોતી.
મુદ્દામાલ અને કાર્યવાહી:
પોલીસે સ્થળ પરથી અલગ-અલગ કંપનીની ટેબલેટ, સિરપ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ અને સ્ફિગ્મોમેનોમીટર (બીપી માપવાનું મશીન) સહિત કુલ રૂ. ૪૩,૧૦૦/- ની દવાઓ અને સાધનો તેમજ રોકડા રૂ. ૨,૦૦૦ મળી કુલ રૂ. ૪૫,૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં BNS ૨૦૨૩ ની કલમ-૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
