
વાંકાનેર તાલુકામાં પ્રોહીબીશન હેઠળ ચાલી રહેલી ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. તરકીયા ગામની સીમ વિસ્તારમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવાના આશરે 1600 લીટર ઠંડા આથા સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લીપ્ત રાય, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તેના અનુસંધાને જિલ્લામાં વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે તરકીયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસને દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો અંદાજિત રૂ. 40,000ની કિંમતનો મળી આવ્યો હતો. સ્થળ પરથી વિજયભાઈ ભુપતભાઈ મકવાણા (રહે. તરકીયા ગામ સીમ, તા. વાંકાનેર, જી. મોરબી) ને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કબ્જે કરાયેલ આથો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધા કરતા તત્વોમાં ચિંતા ફેલાઈ છે.





