ગાંધીનગર

સુરેન્દ્રનગર બાદ વાવ-થરાદમાં આડેધડ NA કૌભાંડ સામે આવતાં મહેસૂલ વિભાગ લાલઘૂમ: જમીન બિનખેતી કરતાં પહેલાં હાઈકોર્ટના ચુકાદા તપાસવા કલેક્ટરોને આદેશ

સુરેન્દ્રનગર બાદ વાવ-થરાદમાં આડેધડ NA કૌભાંડ સામે આવતાં મહેસૂલ વિભાગ લાલઘૂમ: જમીન બિનખેતી કરતાં પહેલાં હાઈકોર્ટના ચુકાદા તપાસવા કલેક્ટરોને આદેશ

Land NA Scam Gujarat,

ગાંધીનગર

રાજ્યમાં ખેતીની જમીનને બિનખેતી (NA) કરવાની પ્રક્રિયામાં મોટા પાયે નિયમોની ઐસીતૈસી થતી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ મહેસૂલ વિભાગ હરકતમાં આવ્યું છે. સુરેન્દ્રનગર બાદ વાવ-થરાદ પંથકમાં એક્સપ્રેસ હાઈવે સંપાદન પૂર્વે જમીનો આડેધડ બિનખેતી દર્શાવવાનું કૌભાંડ બહાર આવતાં રાજ્યના મહેસૂલ વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને કડક આદેશ જારી કર્યા છે. હવેથી કલેક્ટર કક્ષાએ NA પરવાનગીની અરજીઓનો નિકાલ કરતાં પહેલાં ગુજરાત હાઈકોર્ટના સંબંધિત ચુકાદાઓ અને હુકમોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો ફરજિયાત રહેશે.

વાવ-થરાદમાં એક્સપ્રેસ હાઈવે પૂર્વે ખેલાયો હતો મોટો ખેલ

તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન એનએ કરાવવાના મામલે મોટો વિવાદ અને કૌભાંડ સામે આવ્યા હતા. ત્યારબાદ સરહદી વાવ-થરાદ વિસ્તારમાં ભારતમાલા કે એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન સંપાદિત થાય તે પહેલાં જ વળતરની મસમોટી રકમ ચાંઉ કરવાના ઈરાદે ખેતીની જમીનને ખોટી રીતે બિનખેતી દર્શાવવાનો ગોરખધંધો પકડાયો હતો. આ ગેરરીતિમાં સ્થાનિક મહેસૂલી કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું.

અરજદાર કાયદેસર કબજેદાર છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ થશે

મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ:

  • જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ બિનખેતીની મંજૂરી આપતી વખતે કોઈપણ જોગવાઈ કે પ્રવર્તમાન નિયમોની અવગણના ન થાય તેની કલેક્ટરોએ અંગત તકેદારી રાખવાની રહેશે.
  • NA માટે અરજી કરનાર વ્યક્તિ વાસ્તવમાં સંબંધિત જમીનનો કાયદેસરનો કબજેદાર કે ધારણકર્તા છે કે કેમ, તેની મહેસૂલી રેકર્ડના આધારે સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ જ નિર્ણય લેવાનો રહેશે.
  • જે જમીનોના વિવાદ કોર્ટમાં ન્યાયાધીન (પેન્ડિંગ) હોય, તેમાં હાઈકોર્ટે આપેલા સ્ટે કે અન્ય આદેશોનું કોઈપણ ભોગે ઉલ્લંઘન થવું જોઈએ નહીં.

૨૦૧૧ થી ૨૦૨૬ સુધીના હાઈકોર્ટના હુકમો ધ્યાને લેવા આદેશ

મહેસૂલ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાયેલા ઓરલ ઓર્ડર તેમજ વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૬ દરમિયાન વિવિધ જમીન કેસોમાં અપાયેલા સીમાચિહ્નરૂપ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને જ એનએની કાયદેસર કાર્યવાહી કરવાની રહેશે. કેટલાક જિલ્લાઓમાં કલેક્ટરોની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા હોવાથી મહેસૂલ તંત્રે હવે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને કાયદાકીય માળખા મુજબ ચલાવવા તાકીદ કરી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder