ગાંધીનગર
નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી ૩૧ ઑક્ટોબરના રોજ યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ભવ્ય પરેડની પૂર્વતૈયારીઓ વચ્ચે ગાંધીનગરથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પરેડની કવાયત અને રિહર્સલ માટે દેશના વિવિધ રાજ્યોમાંથી પાટનગરમાં આવેલા વિવિધ સુરક્ષા દળોના જવાનોમાં મચ્છરજન્ય બીમારીના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આશરે ૪૦થી વધુ જવાનોને તાવ અને અસ્વસ્થતાના કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં આસામના વતની એવા ૨૬ વર્ષીય સીઆરપીએફ (CRPF) જવાનનું શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે.

નિર્માણાધીન સરકારી આવાસમાં રોકાયા હતા જવાનો
પ્રાપ્ત વિગતો અનુસાર, પરેડ માટે ગાંધીનગર આવેલા સુરક્ષા દળોના જવાનો માટે સેક્ટર-૨૭ અને ૨૮ ખાતે આવેલા નિર્માણાધીન સરકારી આવાસોમાં હંગામી ધોરણે રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન આ પરિસરમાં રહેતા જવાનોમાં એકાએક સખત તાવ, કંપારી અને ડેન્ગ્યુ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તબિયત લથડતાં એક પછી એક જવાનોને સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
સ્પેશિયલ વોર્ડમાં સારવાર દરમિયાન જવાને દમ તોડ્યો
આ પૈકી આસામના ૨૬ વર્ષીય યુવાન CRPF જવાનની સ્થિતિ અત્યંત નાજુક બનતાં તેને સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી રહી હતી. તબીબોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન આ જવાને અંતિમ શ્વાસ લીધા હતા. જવાનના મોતના ચોક્કસ તબીબી કારણની પુષ્ટિ કરવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય તંત્ર અને મનપા એક્શન મોડમાં
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CRPF અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બીજી તરફ, ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) અને આરોગ્ય વિભાગની ટીમો હરકતમાં આવી ગઈ છે. સેક્ટર-૨૭ અને ૨૮ સ્થિત હંગામી આવાસ પરિસરમાં મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે સઘન દવા છંટકાવ, ફોગિંગ અને પાણીના ભરાવા દૂર કરવાની ઝુંબેશ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. દેશના રક્ષણ માટે આવેલા જવાનના અકાળે અવસાનથી સુરક્ષા દળોના કેમ્પમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.